Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક થશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તે ડીલ નહીં કરે તો ઈરાન પર હવે વધુ નરમાશ રાખવામાં આવશે નહીં.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અમેરિકા યુદ્ધ વિરામની ડેડલાઇન પૂર્ણ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સોમવારે અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચશે, જ્યાં ઈરાન સાથેના દ્વિપક્ષીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે બીજા તબક્કાની તકનીકી સ્તરની વાતચીત થશે તેવી જાહેરાત ખુદ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કરી છે.

ટ્રમ્પે કહ્યું કે જો તે ડીલ નહીં કરે તો ઈરાન પર હવે વધુ નરમાશ રાખવામાં આવશે નહીં. તેઓ જલદી અને સરળતાથી નમી જશે અને જો તેઓ સમજૂતી નહીં કરે, તો જે કરવું જરૂરી છે તે કરવું મારા માટે સન્માનની વાત હશે, જે છેલ્લા ૪૭ વર્ષોમાં બાકીના રાષ્ટ્ર પ્રમુખોઓએ કરવું જોઈતું હતું. હવે સમય આવી ગયો છે કે ઈરાનની કિલિંગ મશીનનો અંત આવે!
અમેરિકા ઈરાનના દરેક પાવર પ્લાન્ટ અને દરેક પુલને નષ્ટ કરી દેશે
પરંતુ ટ્રમ્પે ટ્રૂથ પોસ્ટમાં એ સ્પષ્ટ કર્યું નથી કે અમેરિકા આ સામસામેની વાતચીતમાં કયા અધિકારીઓને મોકલી રહ્યું છે. વ્હાઇટ હાઉસ અને ઉપ રાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સની ઓફિસ (જેમણે પ્રથમ તબક્કાની વાતચીતનું નેતૃત્વ કર્યું હતું)એ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
ટ્રમ્પે ઈરાન પર શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળીબાર કરીને યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન અમેરિકા દ્વારા પ્રસ્તાવિત સમજૂતીનો સ્વીકાર નહીં કરે તો અમેરિકા ઈરાનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દેશે. ટ્રમ્પે લખ્યું કે જો તેઓ આવું નહીં કરે, તો અમેરિકા ઈરાનના દરેક પાવર પ્લાન્ટ અને દરેક પુલને નષ્ટ કરી દેશે.
બીજી બાજુ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થતામાં વાતચીત આગળ વધી રહી છે અને અમેરિકા ઈસ્લામાબાદ જવા માટે ઉત્સુક છે. તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના વખાણ કરતા તેમને ‘શાનદાર‘ ગણાવ્યા અને કહ્યું કે તેમની ભૂમિકાને કારણે ઈસ્લામાબાદમાં વાતચીતની શક્યતા વધી ગઈ છે.
બીજી તરફ, ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર પોતાનો પ્રતિબંધ ચાલુ રાખવાનો ર્નિણય કર્યો છે, જ્યાં સુધી અમેરિકા તેની નાકાબંધી હટાવતું નથી. મધ્યસ્થી દેશો યુદ્ધવિરામને લંબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બંને પક્ષોની નાકાબંધીને કારણે પાકિસ્તાનની આગેવાની હેઠળના મધ્યસ્થતાના પ્રયાસો જટિલ બન્યા છે.
ઈરાની સંસદના અધ્યક્ષ અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બગેર ગાલિબાફે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે જ્યારે આપણે હોર્મુઝમાંથી પસાર થઈ શકતા નથી, ત્યારે બીજાઓ માટે તેને પસાર કરવું અશક્ય છે. તેમણે અમેરિકન નાકાબંધીની ટીકા કરતા તેને અજ્ઞાનતામાં લેવાયેલો સમજણ વગરનો ર્નિણય ગણાવ્યો હતો.
ગાલિબાફે કહ્યું કે ઊંડા અવિશ્વાસ છતાં ઈરાન શાંતિની શોધમાં છે, પરંતુ કૂટનીતિમાં પાછળ હટવાનો કોઈ પ્રશ્ન નથી. ઈરાને શુક્રવારે ઈઝરાયલ-લેબનોન યુદ્ધવિરામ બાદ દરિયાઈ માર્ગ ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી, પરંતુ ટ્રમ્પના અમેરિકન નાકાબંધી ચાલુ રાખવાના નિવેદન બાદ ઈરાને પોતાનો પ્રતિબંધ જાળવી રાખ્યો છે.