Last Updated on by Sampurna Samachar
બોલિવૂડમાં કામ કરવાના બદલે પોતાના દેશમાં કામ કરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ નોંધાવ્યો વિરોધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફિલ્મ અબીર-ગુલાલનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેના પર હોબાળો શરૂ થઈ ગયો છે. આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન છે. જે લાંબા સમય બાદ બોલિવૂડ (BOLLYWOOD) માં કમબેક કરી રહ્યો છે. તેની સાથે અભિનેત્રી વાણી કપૂર લીડ રોલમાં છે. હવે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોની હાજરીનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે અમે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા નહીં દઈએ.
રોમેન્ટિક-કોમેડી અબીર ગુલાલ ૯ મે, ૨૦૨૫ ના રોજ રિલીઝ થઈ રહી છે. તેનું ટીઝર રિલીઝ થતાની સાથે જ મહારાષ્ટ્રમાં વિરોધ શરૂ થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રવક્તા અમેય કોપકરે કહ્યું કે, ‘અમે મહારાષ્ટ્રમાં ફિલ્મ રિલીઝનો વિરોધ કરી રહ્યા છીએ. અમને ફિલ્મની રિલીઝ વિશે આજે જ ખબર પડી, જ્યારે ફિલ્મના નિર્માતાઓએ તેની જાહેરાત કરી. પરંતુ અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દઈશું નહીં. કારણ કે તેમાં પાકિસ્તાની કલાકારની હાજરી છે.
પાકિસ્તાની કલાકારો ભારતમાં ક્યારેય સફળ થયા નથી
શિવસેનાના નેતા સંજય નિરુપમે કહ્યું, ‘જ્યારે પાકિસ્તાની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે લોકો તેને જોવી પસંદ કરતા નથી. એક-બે મિનિટ માટે કોઈ ફિલ્મ જોવી એ અલગ વાત છે. પાકિસ્તાની કલાકારોની ફિલ્મો ભારતીય દર્શકોમાં બહુ લોકપ્રિય નથી. તેથી જ પાકિસ્તાની કલાકારો ભારતમાં ક્યારેય સફળ થયા નથી. હું પાકિસ્તાનીઓને સલાહ આપીશ કે તેઓ બોલિવૂડમાં કામ કરવાના બદલે પોતાના દેશમાં કામ કરે. કેન્દ્ર સરકારે કોઈ નીતિ બનાવી હોય તો તેનું પાલન કરવું જોઈએ.
ફિલ્મ ‘અબીર ગુલાલ’ ૯ મે ૨૦૨૫ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં ફવાદ ખાન અને વાણી કપૂર સિવાય રિદ્ધિ ડોગરા, લિસા હેડન, ફરીદા જલાલ અને સોની રાઝદાન જેવા કલાકારો જોવા મળશે.