Last Updated on by Sampurna Samachar
ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીનું નિવેદન
ચૂંટણીમાં ભાજપ પોતાની જ પાર્ટીના બ્યૂરોક્રેટ્સને લઈને આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, તેઓ ચૂંટણી હાર્યા જ નથી, પરંતુ ૧૦૦ મતવિસ્તારોમાં મત “લૂંટાયા” છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ‘અમારી લડાઈ ફક્ત ભાજપ સામે નથી, પરંતુ અમારે ચૂંટણી પંચ સામે પણ લડવું પડ્યું હતું. ચૂંટણી પંચનું વર્તન સંપૂર્ણપણે પક્ષપાતીભર્યું હતું અને લોકશાહીની હત્યા કરવામાં આવી છે.

મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં.‘મમતા બેનર્જીએ કહ્યું કે, ‘મારે લોકભવન કેમ જાઉં જોઈએ? જો મારે શપથ લેવાના હોત તો હું જાત. તેઓએ કબજો કરી લીધો છે. શું તમને લાગે છે કે હું રાજીનામું આપી દઉં? હું નહીં જાઉં. હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ. બે ફેઝમાં ચૂંટણી થયા બાદ તેઓએ અમારા લોકોની અટકાયત કરવાનું શરૂ કરી દીધુ અને અધિકારીઓના ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું.
બંગાળમાં ૧૦૦થી વધુ બેઠકો પર ચોરી કરવામાં આવી
ચૂંટણીમાં ભાજપ પોતાની જ પાર્ટીના બ્યૂરોક્રેટ્સને લઈને આવ્યા.‘ઇન્ડિયા ગઠબંધનની વાત કરતાં મમતાએ કહ્યું, ‘મેં આ પહેલાં ક્યારેય આવી ચૂંટણી જોઈ નથી. મેં ૨૦૦૪માં પણ આવા અત્યાચાર જોયા નહોતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેનથી લઈને વ્યાપક INDIA ગઠબંધનના સભ્યો સુધીના નેતાઓએ મારી સાથે વાત કરી છે.
‘બુથ પર થયેલા તેમની પરના વ્યવહાર પર તેમણે કહ્યું કે, ‘મને બુથ પરથી ધક્કા મારીને કાઢવામાં આવી. હું એક મહિલા છું, મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરી શકતા હોય તો અન્ય લોકો સાથે કેવુ વર્તન કરાશે.‘તેમણે વધુ કહ્યુ કે, ‘અમે ર્નિણય લીધો છે કે અમે એક્શન લઈશું. જેમાં અમે ૧૦ સદસ્યોની સાથે એક ફાઈન્ડિંગ કમિટી તૈયાર કરીશું. આ કમિટીના સભ્યો વિવિધ વિસ્તારોમાં જઈને લોકોની મુલાકાત કરશે. અમારા કાર્યાલય પર કબજો કરાયો અને અમારી પાર્ટીના કાર્યકર્તાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. જ્યારે થયું એ બ્લેક હિસ્ટ્રી છે. ચૂંટણી પંચ સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ છે. તેઓએ કાઉન્ટિંગ સેન્ટરને હાઈજેક કર્યું.‘સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બંગાળના પરિણામો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હવે શું સત્તાધારી રાજનીતિને પાતાળથી પણ નીચે લઈ જશો? દેશના રાજકીય ઈતિહાસનો આ એક ઘોર ‘કાળો દિવસ‘ છે. આજે આખો દેશ આક્રોશિત છે અને લોકશાહી વ્યથિત. ચૂંટણી વ્યવસ્થાના નામે કેન્દ્રીય દળોનો જે દુરુપયોગ મતગણતરીમાં આજે બંગાળમાં થયો છે, બરાબર એવો જ ગોટાળો ૨૦૨૨ની યુપી વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની જગ્યાએ કરવામાં આવ્યો હતો, જેની સાક્ષાત સાક્ષી કન્નૌજની વિધાનસભાઓ હતી. ત્યારબાદ આ જ નિંદનીય મોડેલને ફર્રુખાબાદની ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું. બધા જાણે છે કે શું થયું છે અને સત્ય શું છે અને જનમતની ખુલ્લી લૂંટ કેવી રીતે થઈ છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂના પરિણામોને ટાંકીને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, જે દિલ્હી અને બંગાળને ભાજપ મોદીની લહેરની ચરમસીમા પર નહોતું જીતી શક્યું. ૨૦૧૫ માં દિલ્હીમાં અને ૨૦૧૬માં બંગાળમાં તેમની ૩-૩ બેઠકો આવી હતી. તે જ દિલ્હી અને બંગાળમાં ભાજપે તેવા સમયે જીત હાંસલ કરી જ્યારે મોદીજીની લોકપ્રિયતા પાતાળમાં જઈ રહી છે. કેવી રીતે?
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સીધો ચૂંટણી પંચ પર નિશાન સાધતા મમતા બેનરજીના દાવાને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે, આસામ અને બંગાળમાં ભાજપે ચૂંટણી પંચની મદદથી ચોરી કરી છે. અમે મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં ૧૦૦થી વધુ બેઠકો પર ચોરી કરવામાં આવી છે. અમે આ પ્લેબુક અગાઉ પણ જોઈ છે: મધ્ય પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, લોકસભા ૨૦૨૪ વગેરે.