Last Updated on by Sampurna Samachar
મહાકુંભ વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ
હર્ષા રિચારિયાએ પોતાનું જ પિંડદાન અને શ્રાદ્ધ કર્મ સંપન્ન કર્યું : મહારાજશ્રીએ આપ્યું નવું નામ અને માર્ગદર્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, કન્ટેન્ટ ક્રિએટર અને જાણીતી મોડલ હર્ષા રિછારિયાએ ૧૯ એપ્રિલના રોજ તમામ ભૌતિક સુખ-સુવિધાઓ અને ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરી લીધો છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં તેમણે વિધિવત રીતે પોતાનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ સંસ્કાર પૂર્ણ કર્યા હતા.

સંન્યાસના માર્ગે પ્રયાણ કર્યા બાદ હવે તેમનું નવું નામ ‘સ્વામી હર્ષાનંદ ગિરી‘ રાખવામાં આવ્યું છે. તેમણે મૌની તીર્થ આશ્રમ ખાતે પંચાયતી નિરંજની અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી સુમનાનંદ ગિરી મહારાજના પાવન સાનિધ્યમાં આ દીક્ષા ગ્રહણ કરી હતી. સંન્યાસ લેવાની પરંપરા અત્યંત કઠિન હોય છે, જેનું પાલન કરતા હર્ષા રિછારિયાને સૌ પ્રથમ શિખા (ચોટલી) અને દંડ ત્યાગની વિધિ કરાવવામાં આવી હતી.
વિધિવત રીતે સંન્યાસ ધારણ કર્યો
સંન્યાસ માર્ગમાં પ્રવેશતા પહેલા વ્યક્તિએ પોતાના જીવિત હોવા છતાં પોતાનું પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવું પડે છે, જેનો અર્થ છે કે હવે તેમનો જૂનો સંસાર સાથેનો સંબંધ પૂર્ણ થયો છે. હર્ષાએ આ તમામ ધાર્મિક અનુષ્ઠાનો પૂર્ણ કર્યા બાદ વિધિવત રીતે સંન્યાસ ધારણ કર્યો હતો.
આ તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સ્વામી સુમનાનંદ ગિરી મહારાજે હર્ષા રિછારિયાને નવું આધ્યાત્મિક નામ ‘સ્વામી હર્ષાનંદ ગિરી‘ અર્પણ કર્યું હતું. સંન્યાસ લીધા બાદ હર્ષાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજથી તેમના જીવનનો એક સંપૂર્ણ નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે.
તેમણે પોતાના ગુરુદેવના માર્ગદર્શન હેઠળ જ સંન્યાસનો આ કઠિન માર્ગ પસંદ કર્યો છે. હર્ષાએ વધુમાં ઉમેર્યું કે, તેમણે સંકલ્પ લીધો છે કે તેઓ પોતાનું બાકીનું સમગ્ર જીવન સનાતન ધર્મનો પ્રચાર કરવા અને નિ:સ્વાર્થ ભાવે સમાજ સેવા કરવા માટે સમર્પિત કરશે. હવે તેમનું લક્ષ્ય માત્ર લોકકલ્યાણ જ રહેશે.
હર્ષા રિછારિયાનો પરિવાર મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશના ઝાંસીનો રહેવાસી છે, પરંતુ હાલમાં તેઓ મધ્યપ્રદેશના ભોપાલમાં સ્થાયી થયા છે. તેમના પિતા દિનેશભાઈ બસ કંડક્ટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમની માતા કિરણ રિછારિયા એક બુટિક ચલાવે છે.
પરિવારમાં તેમનો એક ભાઈ કપિલ પણ છે, જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. એક સોશિયલ મીડિયા સ્ટાર તરીકે જાણીતી યુવતીનું આ રીતે આધ્યાત્મિકતા તરફ વળવું એ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.