Last Updated on by Sampurna Samachar
ઈન્સ્ટાગ્રામ દ્વારા લેવાયેલા કડક પગલાંએ ચર્ચા જગાવી
નકલી ફોલોઅર્સ મામલે કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટેકનોલોજીના સમયમાં સોશિયલ મીડિયા પરથી કોઇ પણ વ્યક્તિની લોકપ્રિયતા જાણી શકાય છે. કોઈ વ્યક્તિ કેટલી લોકપ્રિય છે, તેનો અંદાજ તેના ફોલોઅર્સની સંખ્યા પરથી લગાવવામાં આવે છે. વિરાટ કોહલી, પ્રિયંકા ચોપરા અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા દિગ્ગજો હવે માત્ર રમત કે સિનેમાના સિતારા નથી રહ્યા, પરંતુ એક વૈશ્વિક બ્રાન્ડ બની ગયા છે.

જ્યાં તેમની એક પોસ્ટ કરોડો લોકો સુધી પહોંચે છે અને તેના બદલામાં તેઓ મોટી રકમ વસૂલે છે. પરંતુ, શું આ કરોડો ફોલોઅર્સ ખરેખર સાચા છે? તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ દ્વારા લેવામાં આવેલા કડક પગલાંએ આ પ્રશ્ન પર ફરી ચર્ચા જગાવી છે.
સોશિયલ મીડિયા પર દેખાતી લોકપ્રિયતા સાચી ન હોય
સોશિયલ મીડિયાના ઈતિહાસમાં મે ૨૦૨૬ ની શરૂઆત એક મોટા ભૂકંપ સમાન રહી છે, જેને નેટિઝન્સ ‘ગ્રેટ પર્જ ઓફ ૨૦૨૬’ તરીકે ઓળખાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા દ્વારા ફેક એકાઉન્ટ્સ, બોટ્સ અને નિષ્ક્રિય પ્રોફાઈલ્સ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ઈન્સ્ટાગ્રામ પરથી નકલી એકાઉન્ટ્સ અને બોટ્સને દૂર કરવાનું શરૂ કરતા જ દુનિયાભરના મોટા સેલિબ્રિટીઝના ફોલોઅર્સના આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રક્રિયામાં જાણવા મળ્યું કે ઘણા સેલિબ્રિટીઝના એકાઉન્ટ્સમાં લાખો ફોલોઅર્સ નકલી હતા.
વર્ષ ૨૦૧૯ માં લંડનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કન્ટેમ્પરરી મ્યુઝિક પર્ફોર્મન્સ ના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ તપાસ મુજબ, વિશ્વના ઘણા પ્રખ્યાત લોકોએ પોતાનો પ્રભાવ વધારવા માટે પૈસા આપીને ફોલોઅર્સ ખરીદ્યા હતા. હોલીવુડની જાણીતી હોસ્ટ એલેન ડીજેનેરેસ આ યાદીમાં મોખરે હતી, જેના લગભગ ૫૮% ફોલોઅર્સ નકલી હોવાનું બહાર આવ્યું હતું.
ભારતમાં પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી. લગભગ ચાર વર્ષ પહેલાં મુંબઈ પોલીસે નકલી ફોલોઅર્સના કૌભાંડમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાને સમન્સ પાઠવ્યું હતું. જોકે, મોટાભાગના સેલિબ્રિટીઝ આ વિષય પર મૌન સેવવાનું જ પસંદ કરે છે.
સોશિયલ મીડિયા પર દેખાતી લોકપ્રિયતા હંમેશાં વાસ્તવિક હોતી નથી. બ્રાન્ડ વેલ્યુ વધારવા અને ડિજિટલ દુનિયામાં ‘મોટા’ દેખાવા માટે ઘણીવાર નકલી રસ્તાઓ અપનાવવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામની આ સફાઈ ઝુંબેશ એ વાતનો પુરાવો છે કે આખરે તો ઓર્ગેનિક એટલે કે સાચા ફેન્સની જ કિંમત હોય છે.