Last Updated on by Sampurna Samachar
પ્રતિમા પર શીખ હિન્દુ નથી તેમ લખેલું
આતંકવાદી પન્નુએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ખાલિસ્તાની સૂત્રો લખવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના જલંધરના ફિલૌર વિસ્તારમાં બની હતી. અમેરિકામાં રહેતા શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ (PANNU) એ આની જવાબદારી લીધી છે. પન્નુએ આ અંગે એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં તે કહેતો જોવા મળે છે કે, ફિલૌરના નાંગલમાં બનેલી બાબા સાહેબની પ્રતિમા પર ખાલિસ્તાની સૂત્ર તેમણે લખેલું હતું.
વીડિયોમાં પન્નુ કહી રહ્યો છે કે, ૧૪ એપ્રિલે બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે આખા પંજાબમાંથી મૂર્તિઓ હટાવી દેવી જોઈએ. આ ઘટના બાદથી BSP એ વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રતિમા પર શીખ હિન્દુ નથી અને SFJ ખાલિસ્તાન ઝિંદાબાદ જેવા નારા લખેલા છે. બાબા સાહેબની પ્રતિમા પર લખેલા ખાલિસ્તાની સૂત્રોચ્ચારની બસપાએ સખત નિંદા કરી અને કહ્યું કે, જો બાબા સાહેબની પ્રતિમાનું આ રીતે અપમાન થતું રહેશે, તો આગામી દિવસોમાં બસપા પંજાબના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરશે.
અગાઉ અમૃતસરમાં બની હતી ઘટના
આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસને કડક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. ત્યારે હજુ આ મામલે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પન્નુનો વીડિયો સામે આવ્યા બાદ, પોલીસ તે સ્થાનની શોધી રહી છે. જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનામાં પણ અમૃતસરના હેરિટેજ સ્ટ્રીટ પર સ્થિત બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટના બની હતી. આ પછી, ભાજપે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર છછઁ સરકારની આકરી નિંદા કરી હતી.