Last Updated on by Sampurna Samachar
આ અધિકારીઓ પોતાની ફરજ બજાવવા યોગ્ય નહતા
ઈરાનના આ યુદ્ધના દલદલમાં ખરાબ રીતે ફસાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન સામેના યુદ્ધમાં વ્યૂહાત્મક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અમેરિકાના રાજકીય વર્તુળોમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ મંત્રાલયમાંથી ૨૫૦ વરિષ્ઠ અધિકારીઓને અચાનક જ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક સત્તાવાર ઇમેઇલ જારી કરીને આ કાર્યવાહી કરી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ અધિકારીઓ પોતાની ફરજ બજાવવા માટે લાયક કે યોગ્ય ન હતા.

અમેરિકાએ ઇઝરાયેલ સાથે મળીને ઈરાન પર સૈન્ય હુમલો કર્યો હતો. શરૂઆતમાં અમેરિકાનો હાથ ઉપર હતો, પરંતુ સમય જતાં વોશિંગ્ટન ઈરાનના આ યુદ્ધના દલદલમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. અમેરિકાના મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, આ સામૂહિક છટણીને ઈરાન યુદ્ધનો કોઈ યોગ્ય ઉકેલ શોધવામાં આ અધિકારીઓની અસમર્થતા સાથે જોડીને જોવામાં આવી રહી છે. જોકે, વ્હાઇટ હાઉસ કે સ્ટેટ ડિપાર્ટમેન્ટે હજુ સુધી આ જોડાણ અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી. બરતરફ કરાયેલા આ અધિકારીઓને તાજેતરમાં જ સરકારે ઈરાન સંકટનો રાજદ્વારી ઉકેલ લાવવાની જવાબદારી સોંપી હતી.
ટ્રમ્પના અંગત ક્વોટામાંથી નિમણુક કરાઇ
ગયા મહિને વ્હાઇટ હાઉસ તરફથી તમામ દૂતાવાસોને એક કડક નિર્દેશ મોકલવામાં આવ્યો હતો. આ નિર્દેશ હેઠળ અમેરિકી રાજદૂતોએ પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને જે-તે દેશોને ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધો લાદવા માટે મનાવવાના હતા, જેથી ઈરાન પર વૈશ્વિક દબાણ લાવી શકાય. પરંતુ, આ પ્રયાસમાં અમેરિકાના કોઈ પણ દૂતાવાસને નોંધપાત્ર સફળતા મળી નથી. પશ્ચિમી દેશોના સૈન્ય સંગઠન ‘નાટો‘ના સભ્ય દેશોએ પણ આ મામલે અમેરિકાને સહયોગ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના આશરે ૧૦૦ જેટલા અનુભવી અધિકારીઓને પદ પરથી હટાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ તેમના વ્યવસાયિક મિત્રોને વિદેશ મંત્રાલયમાં ઉચ્ચ પ્રોફાઇલ હોદ્દાઓ આપી રહ્યા છે. હાલમાં ૧૦૦ થી વધુ દેશોમાં એવા રાજદૂતો કાર્યરત છે જેમના પદને અમેરિકી સેનેટ દ્વારા મંજૂરી પણ મળી નથી અને તેમની નિમણૂક ટ્રમ્પના અંગત ક્વોટામાંથી કરવામાં આવી છે.
બીજી તરફ, સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે આ બાબતને બચાવતા જણાવ્યું છે કે, આ માત્ર વહીવટી પુનર્ગઠન અને ખર્ચ ઘટાડવાની પ્રક્રિયાનો એક ભાગ છે, જેનાથી દેશની વિદેશ નીતિ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. તેમનું કહેવું છે કે હાલમાં વિભાગમાં એક નવો ભરતી કાર્યક્રમ ચાલી રહ્યો છે.