Last Updated on by Sampurna Samachar
પશ્વિમ બંગાળમાં ફાટેલી હિંસા વચ્ચે ટ્રોલ થયા
TMC હિન્દુઓને નફરત કરે છે તેમ યુઝર્સનુ કહેવુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાને લઈને હિંસા ફાટી નીકળી છે. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન, બહેરામપુર બેઠકના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. હકીકતમાં, તેમણે મુર્શિદાબાદ હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ આરામથી ચાનો આનંદ માણતા જોવા મળે છે.
લોકોને તેની પોસ્ટ પસંદ નથી આવી રહી અને તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. યુસુફ પઠાણે બે દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી હતી. ફોટા સાથેના કેપ્શનમાં લખ્યું છે, “આરામદાયક બપોર, શાનદાર ચા અને શાંતિપૂર્ણ વાતાવરણ. બસ આ ક્ષણનો આનંદ માણી રહ્યો છું.” થોડા સમય પછી લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કર્યું. એક યુઝરે પૂછ્યું, “તમને કોઈ શરમ છે?” આ પોસ્ટને લઈને ભાજપે તૃણમૂલ સાંસદ પર પણ નિશાન સાધ્યું.
સમગ્ર હિંસા પૂર્વ-આયોજિત
“બંગાળ સળગી રહ્યું છે. હાઈકોર્ટ કહે છે કે તે આંખો બંધ નથી કરી શકતા અને કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જી રાજ્ય-રક્ષિત હિંસાને પ્રોત્સાહન આપે છે જ્યારે પોલીસ મૌન છે. આ દરમિયાન યુસુફ પઠાણ- સાંસદ ચા પી રહ્યા છે. આ TMC છે,” ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “TMC સાંસદનો આ ફોટો સ્પષ્ટ કરે છે કે એક તરફ મમતા બેનર્જી બંગાળમાં હિન્દુઓ વિરુદ્ધ લક્ષિત હિંસા ભડકાવી રહ્યા છે અને બીજી તરફ સાંસદ મજા કરી રહ્યા છે. આ સ્પષ્ટ કરે છે કે TMC હિન્દુઓને નફરત કરે છે અને આ સમગ્ર હિંસા પૂર્વ-આયોજિત છે.”
યુસુફ પઠાણે હજુ સુધી ટીકા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષની સામાન્ય ચૂંટણીમાં પઠાણે બહેરમપુરથી પાંચ વખત સાંસદ રહેલા અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા. બરહમપુર બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી.