Last Updated on by Sampurna Samachar
સુસાઇડ નોટમાં ફાઇનાન્સરનુ નામ લખ્યું
ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિગતો એવી છે કે યુવકે વ્યાજે પૈસા લીધા હતા. બાદમાં તેનાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. જેનો વીડિયો બનાવીને એક સુસાઈડ નોટ પણ વાયરલ કરી છે. જેમાં ફાઈનાન્સરે તેને પૈસા માટે કેટલી હદે હેરાન કર્યો છે, તેનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાના મોત માટે જવાબદાર ફાઈનાન્સરને ગણાવ્યો છે. પોલીસે સુસાઈડ માટે ઉશ્કેરવાનો મામલે ફાઈનાન્સર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પોલીસે જણાવ્યું કે, એક યુવકે ફાંસી લગાવીને જીવ આપી દીધો છે. યુવકની ઉંમર ૪૨ વર્ષ છે. મૃતકનું નામ લલિત મોહન છે અને તે કૈલાશ નગરનો રહેવાસી છે. મૃતક કૈલાશ નગરમાં જ મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતો હતો. તેણે એક ફાઈનાન્સર પાસેથી રુપિયા ઉધારે લીધા હતા. જેનું વ્યાજ આપતા આપતા જે થાકી ગયો. આ કારણે તેણે આપઘાત કર્યો છે. મૃતકની પત્ની પૂનમ ગુપ્તાની ફરિયાદ પર આરોપી સંજીવ જૈન વિરુદ્ધ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી લેવામાં આવે છે.
હું છેલ્લા ૮-૧૦ વર્ષથી વ્યાજ ભરી રહ્યો છું
મૃતક લલિત મોહને સુસાઈડ કરતા પહેલા વીડિયો બનાવી કહ્યું કે, મારા મોત માટે જવાબદાર ફક્ત અને ફક્ત સંજીવન જૈન છે. ગલી નંબર ૪ના ફાઈનાન્સર છે. તેની પાસેથી મેં ૨૦૧૪માં લગભગ ૫૦૦૦૦ રુપિયા લીધા હતા. પણ જે કામ માટે મેં રુપિયા લીધા હતા, તે કામ થઈ શક્યું નહીં અને મારા પૈસા ફસાઈ ગયા.
ત્યાર બાદ સંજીવે મને ડરાવવાનું શરુ કર્યું. ઘરે આવી દેકારો કરવાની ધમકી પણ આપી. આવી ધમકીઓ આપી તે મારી પાસેથી વ્યાજ લેતો રહ્યો. હવે સંજીવે આ રકમ વધારીને ૧૦ લાખ કરી દીધી છે. હું છેલ્લા ૮-૧૦ વર્ષથી વ્યાજ ભરી રહ્યો છું. પણ તેની રકમ ખતમ જ થતી નથી. હવે મારી પાસે રુપિયા પણ બચ્યા નથી. જ્યાં ત્યાંથી રુપિયા લાવીને હું તેને આપતો હતો.
આ વ્યાજના ચક્કરમાં બીજા ફાઈનાન્સરના ચક્કરમાં પડ્યો. તેનું પણ વ્યાજ ખતમ થતું નથી. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું ઘણાં રુપિયા ભરી ચુક્યો છું. મારુ ઘર ખાલી કરી નાખ્યું છે. મારા મોત માટે જવાબદાર આ માણસ જ છે.
ત્યાર બાદ તેણે પોતાની પત્ની માટે પણ મેસેજ છોડ્યો છે અને કહ્યું કે પૂનમ મારી જિંદગીમાં બીજી કોઈ છોકરી નથી, મને ખોટો ન સમજતી. હું આ વાત તારી સાથે શેર કરી શક્યો નહીં. રચિતને મોટી જવાબદારીથી સંભાળી લેજે. હંસિકાએ મને કંઈક પૂછ્યું હતું જે મારા કોમ્પ્યુટરમાં મળી જશે. સમજદાર છે, લડશે નહીં. મારી જેમ ભૂલ ન કરતી, હવે તું ઘરે જ રહેશે અને હું હવે તારી જિંદગીમાંથી જઈ રહ્યો છું.