Last Updated on by Sampurna Samachar
મધ્યપ્રદેશમાં PWD મંત્રીએ આપ્યુ વિચિત્ર નિવેદન
ભારે વરસાદ અને ટ્રાફિકને કારણે ખાડા પડે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશમાં વરસાદ દરમિયાન રસ્તાઓ પર પડેલા ખાડાઓ અંગે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) મંત્રી રાકેશ સિંહે અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કયો રસ્તો એવો છે જ્યાં વરસાદ દરમિયાન ખાડા ન પડે? ભારે વરસાદ અને ભારે ટ્રાફિકને કારણે રસ્તાઓ પર ખાડા પડી જાય છે. હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી નથી, જેના આધારે આપણે કહી શકીએ કે આપણે એવો રસ્તો બનાવીશું જેના પર ક્યારેય ખાડા નહીં પડે. રસ્તા બનાવ્યા છે તો ખાડા પણ રહેશે.

રસ્તાઓ પર ખાડા અંગે PWD મંત્રી રાકેશ સિંહે કહ્યું, ચાર વર્ષ સુધી ખરાબ ન થતો રસ્તો ફક્ત છ મહિનામાં જ ખાડા પડવા લાગે છે તે ખોટું છે. પરંતુ અમે આવા કિસ્સાઓ પર કાર્યવાહી પણ કરીએ છીએ. મને દુનિયાનો કોઈ રોડ યાદ નથી જ્યાં ખાડા ન હોય અને આવી કોઈ ટેકનોલોજી હજુ સુધી ધ્યાનમાં આવી નથી. આનો અર્થ એ નથી કે રસ્તાઓ પર ખાડા હોવા જોઈએ. રસ્તાઓની ગુણવત્તા પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે અને તેથી જ અમે ઘણાં ફેરફારો કરી રહ્યા છીએ જેથી વધુ સારા રોડ બનાવી શકાય.
હવે BP અને HP પેટ્રોલિયમ જ બિટ્યુમેન ખરીદાશે
PWD ના ર્નિણયને લઈને રાકેશ સિંહે કહ્યું કે, રોડના બાંધકામમાં વપરાતા બિટ્યુમેન (ડામર) હવે ભારત પેટ્રોલિયમ અથવા હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસેથી જ ખરીદવામાં આવશે. જે વિસ્તારના બિટ્યુમેન મોકલવામાં આવશે. તે વિસ્તારના સબ-એન્જિનિયરને તેમના મોબાઇલ પર એક OTP પ્રાપ્ત થશે અને OTP દાખલ કર્યા પછી જ ડિજિટલ લોક ખુલશે અને બિટ્યુમેનને અનલોડ કરી શકાશે, આ ગુણવત્તા સુધારવામાં મદદ કરશે.