Last Updated on by Sampurna Samachar
સંજૂ સેમસનને ફ્લોપ છતાં તક મળતા ચર્ચા
આયર્લેન્ડ વિરુદ્ધ બે મેચમાં સંજૂએ માત્ર ૫ રન બનાવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટી૨૦ સિરીઝ રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. આ મેચમાં બધાને આશા હતી કે વૈભવ સૂર્યવંશીને પર્દાપણની તક મળશે, પરંતુ ટીમ મેનેજમેન્યે આ યુવા ખેલાડીને મેદાનમાં ઉતાર્યો નહીં.

આયર્લેન્ડ સામે પણ બે ટી૨૦ મેચમાં વૈભવ સૂર્યવંશી બહાર બેઠો હતો, કારણ કે સંજૂ સેમસન અને અભિષેક શર્માએ ઈનિંગની શરૂઆત કરી હતી. જોકે સંજૂ સેમસન સતત ત્રણ મેચમાં ફ્લોપ રહ્યો છે. આયર્લેન્ડ વિરુદ્ધ બે મેચમાં સંજૂએ માત્ર ૫ રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચમાં ૧ રન બનાવી આઉટ થયો હતો.
સૂર્યવંશીને પર્દાપણ કરવાની તક મળી નહીં
તેવામાં સંજૂ સેમસન સતત ત્રણ મેચમાં ફ્લોપ રહ્યાં બાદ તેના પર સવાલ ઉઠવા લાગ્યા છે અને તેના સ્થાને સૂર્યવંશી પાસે ઈનિંગની શરૂઆત કરાવવાની માંગ ઉગ્ર બની છે. પરંતુ કેટલાક ક્રિકેટ એક્સપર્ટ અને પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે ત્રણ મેચમાં ફેલ થવાં છતાં સંજૂ સેમસન પર વિશ્વાસ વ્યક્ત કરવો જોઈએ.
પરંતુ સવાલ છે કે આખરે ફ્લોપ રહેવા છતાં સંજૂને તક આપવાની વાત કેમ થઈ રહી છે? તેમાં કોઈ શંકા નથી કે સંજૂ સેમસન ચેમ્પિયન ખેલાડી છે. તેણે તાજેતરમાં આઈપીએલ ૨૦૨૬મા ચેન્નઈ સુપર કિંગ્સ માટે દમદાર પ્રદર્શન કર્યું અને આ વર્ષે ટીમ ઈન્ડિયાને ટી૨૦ વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કારણ છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ પર નિષ્ફળ રહેવા છતાં સંજૂ સેમસનને બહાર કરવામાં આવી રહ્યો નથી, જેથી સૂર્યવંશીને પર્દાપણ કરવાની તક મળી રહી નથી.
મહત્વનું છે કે સંજૂ સેમસને ટી૨૦ વિશ્વકપમાં સૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એક રીતે વર્ચુઅલ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ૫૦ બોલમાં ૯૭ રન ફટકારી ભારતને સેમીફાઈનલમાં પહોંચાડવાનું કામ કર્યું હતું. ત્યારબાદ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ૪૨ બોલમાં ૮૯ રન ફટકાર્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં સંજૂ સેમસને ન્યૂઝીલેન્ડ સામે ૪૬ બોલમાં ૮૯ રન બનાવ્યા, જેનાથી ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. સંજૂની આ ત્રણ ઈનિંગને કારણે પસંદગીકારો સતત તક આપી રહ્યાં છે.