Last Updated on by Sampurna Samachar
ઈઝરાયલના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત
શાંતિ સમજૂતીના ભવિષ્ય સામે ઉભા થયા સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા અને લેબેનૉનમાં કાયમી શાંતિ સ્થાપવા માટે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થયાના બરાબર એક દિવસ પછી લેબેનૉનમાં ફરી એકવાર ભીષણ હુમલાઓ થયા છે.

વાત કરીએ તો દક્ષિણ લેબેનૉનમાં ઈઝરાયલ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેણીબદ્ધ એરસ્ટ્રાઇકમાં આશરે ૧૮ લોકોના મોત થયા છે અને ૩૩થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઈઝરાયલી સેનાએ પણ સ્વીકાર્યું છે કે આ ઘર્ષણ દરમિયાન તેના ૪ સૈનિકો માર્યા ગયા છે. આ હિંસક વળાંકે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતીના ભવિષ્ય સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે.
આ હુમલો યુદ્ધના સૌથી ભીષણ હુમલાઓમાંથી એક
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે તેણે ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ સાથે જોડાયેલા ૮૦ લક્ષ્યો પર જોરદાર હુમલા કર્યા છે અને તેના ડઝનબંધ લડવૈયાઓને ઠાર કર્યા છે. લેબેનૉનની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ દક્ષિણ લેબેનૉનના નબાતીહ જિલ્લામાં થયેલા આ હુમલાને આ યુદ્ધના સૌથી ભીષણ હુમલાઓમાંથી એક ગણાવ્યો છે, જેમાં અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે.
આ તરફ, હિઝબુલ્લાહે પણ હથિયાર હેઠા મૂકવાનો ઇન્કાર કરી દીધો છે. હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેમણે દક્ષિણ લેબેનૉનમાં ઈઝરાયલી સૈન્યની ટુકડીને ઘેરીને ગાઇડેડ મિસાઇલ વડે ત્રણ ટેન્કો નષ્ટ કરી દીધી છે અને રોકેટ તેમજ તોપમારો કરીને ઈઝરાયલી સૈનિકોને નિશાન બનાવ્યા છે.
આ આખો વિવાદ એવા સમયે વકર્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધોમાં રાહત અને આગામી ૬૦ દિવસમાં અંતિમ સમાધાન શોધવાની શરતો સાથે એક મહત્ત્વપૂર્ણ શાંતિ કરાર થયો હતો. આ ડીલ તમામ મોરચે યુદ્ધવિરામ અને લેબેનૉનની સાર્વભૌમત્વનું સન્માન કરવાની હાકલ કરે છે.
જોકે, ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, અમે લેબેનૉનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા માંગતા નથી. ઈઝરાયલનું કહેવું છે કે, હિઝબુલ્લાહ સામેની અમારી લડાઈ એ ઈરાન સાથેના યુદ્ધથી તદ્દન અલગ છે અને જ્યાં સુધી આક્રમણ ચાલુ રહેશે ત્યાં સુધી હિઝબુલ્લાહે પણ હુમલા ચાલુ રાખવાની શપથ લીધી છે.
આ લશ્કરી કાર્યવાહીથી ઈઝરાયલ અને તેના સૌથી મોટા સહયોગી અમેરિકા વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લેબેનૉનમાં ઈઝરાયલના વલણની જાહેરમાં ટીકા કરી ચૂક્યા છે અને બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન ભારે તણાવ સર્જાયો હોવાના અહેવાલો છે.
આ દરમિયાન, યોજાનારી સીધી મંત્રણા હાલ પૂરતી ટળી ગઈ છે, કારણ કે અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે તેમની સ્વિટ્ઝર્લૅન્ડની મુલાકાત રદ કરી દીધી છે. જેડી વેન્સે નેતન્યાહૂ સરકારના કટ્ટરપંથી મંત્રીઓ ઇતામાર બેન-ગવીર અને બેઝલેલ સ્મોટ્રિચ પર આકરા પ્રહારો કર્યા છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું કે, તમે માત્ર ૯૦ લાખની વસ્તી ધરાવતો એક નાનો દેશ છો. તમે માત્ર નરસંહાર કરીને તમારી રાષ્ટ્રીય સુરક્ષાની દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકો નહીં. ઈઝરાયલે વાસ્તવિકતા સમજવી જોઈએ અને દુનિયામાં પોતાના એકમાત્ર શક્તિશાળી મિત્ર અમેરિકા સામે આંગળી ચીંધવાનું કે તેના પર હુમલા કરવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ.
ઈઝરાયલના ૪ સૈનિકો શહીદ થતાં નેતન્યાહૂ સરકારના કટ્ટરપંથી મંત્રી ઇતામાર બેન-ગવીર ગુસ્સે ભરાયા છે. તેમણે ઉશ્કેરણીજનક ભાષામાં કહ્યું કે, હવે આખું લેબેનૉન સળગી જવું જોઈએ. તેમણે અમેરિકાને પણ સ્પષ્ટ કહી દીધું કે, અમારા સૈનિકોના લોહી અને સુરક્ષાની કિંમતે અમે કોઈ પણ પ્રકારની શાંતિ સમજૂતી કે સોદાબાજી નહીં કરીએ.
બીજી તરફ, ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટે આ યુદ્ધને રોકવા માટે ઈઝરાયલને શાંતિ કરારનું સન્માન કરવા કહ્યું છે. સાથે જ તેમણે અમેરિકાને વિનંતી કરી છે કે તે ઈઝરાયલ સરકાર પર દબાણ લાવે જેથી આ યુદ્ધ આગળ વધતું અટકે.
આ લોહિયાળ સંઘર્ષની સૌથી મોટી કિંમત સામાન્ય જનતા ચૂકવી રહી છે. લેબેનૉનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ તાજેતરના સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં મહિલાઓ અને બાળકો સહિત આશરે ૩૯૧૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ૧૧,૬૯૯થી વધુ લોકો ઘાયલ થયા છે.
દક્ષિણ લેબેનૉનના ડઝનબંધ ગામો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે અને અંદાજે ૧૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થઈને પોતાના જ દેશમાં ભટકી રહ્યા છે.
અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે ભલે લેબેનૉન યુદ્ધવિરામના માળખા હેઠળ આવતું હોય, પણ ઈઝરાયલી દળોની પીછેહઠ આ ડીલની શરત નહોતી, તેથી ઈઝરાયલ પાસે આત્મરક્ષણનો અધિકાર રહેશે – જે આગામી સમયમાં આ ક્ષેત્રને વધુ ભયાનક યુદ્ધ તરફ ધકેલી શકે છે.