Last Updated on by Sampurna Samachar
સાળા સાથે શેરવાની લેવા જવાનુ કહી ભાગી ગયો જમાઇ
દીકરાને ઘરમાં કે મિલકતમાં નહીં આપે હિસ્સો તેમ પિતાએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના અલીગઢના બહુ ચર્ચામાં આવેલો સાસુ – જમાઇના લવ અફેર મામલે નવી માહિતી સામે આવી રહી છે. જેમાં આ જમાઈના પિતાએ નક્કી કર્યું છે કે તેઓ તેમના દીકરાને ઘરમાં રાખશે નહીં અને મિલકતમાં કોઈ હિસ્સો પણ આપશે નહીં. રાહુલના પિતાએ કહ્યું કે આ ઘટનાને કારણે સમાજમાં તેમના પરિવારની છબી ખરડાઈ છે. તેથી હવે તેની સાથે સંબંધ જાળવવાનો કોઈ અર્થ નથી. પિતાએ એમ પણ જણાવ્યું કે રાહુલ તેના ઘરમાંથી કેટલાક પૈસા અને ઘરેણાં પણ લઈ ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા ૩૪ વર્ષની છે અને તેનો જમાઈ રાહુલ માત્ર ૨૪ વર્ષનો છે. દરમિયાન, અલીગઢના DSP મહેશ કુમારે જણાવ્યું હતું કે રાહુલના ઘણા સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અલીગઢની મદ્રક પોલીસે રાહુલના સાળા, જે ઉત્તરાખંડના રુદ્રપુરના રહેવાસી છે, તેને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.
બંનેને ભગાડવામાં સાળાનો હાથ હોવાના અહેવાલ
પોલીસને રાહુલના સાળા પર સૌથી વધુ શંકા છે કે તેણે જ બંનેને ભગાવવામાં સૌથી વધુ મદદ કરી હતી. કારણ કે બંને તાજેતરમાં ઉત્તરાખંડમાં મળ્યા હતા. DSP મહેશ કુમારે જણાવ્યું હતું કે બંનેની શોધ ચાલુ છે અને આ માટે પૂછપરછ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ પોતાના સાળા પાસે શેરવાની લેવા જઈ રહ્યો છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, પોલીસ પૂછપરછ દરમિયાન સાળાએ જણાવ્યું કે રાહુલ તેની પાસે આવ્યો જ નહોતો. પોલીસ સૂત્રો કહે છે કે સાળાએ આ કેસમાં કોઈપણ પ્રકારની મદદ કરવાનો ઇનકાર કર્યો છે.
જ્યારે રાહુલના પિતાએ તેની સાસુ પર મેલીવિદ્યાનો આરોપ લગાવ્યો છે. મીડિયા સાથે વાત કરતી વખતે, રાહુલના પિતાએ જણાવ્યું કે તેની ભાવિ સાસુ અહીં આવી હતી અને લગભગ ૫ દિવસ રહી હતી. ત્યારે તે રાહુલ માટે એક તાવીજ લઈને આવી. તેણે એક તાવીજ રાહુલના ગળામાં અને બીજું તેની કમરમાં બાંધ્યું હતું.