Last Updated on by Sampurna Samachar
મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ
હિંસાની આ સ્થિતિ વચ્ચે પ્રથમ વખત આ રસ્તો અપનાવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મણિપુરમાં હિંસા ફાટી નીકળી તે બાદ પ્રથમ વખત મૈતેઇ અને કૂકી સમાજના લોકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી. આ બંન્ને સમાજના લોકો વચ્ચે જ હિંસા ફાટી નીકળી હતી હવે જ્યારે શાંતિ માટેના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે સમાજના પ્રતિનિધિઓ દ્વારા બેઠક યોજીને વાટાઘાટો કરાઇ હતી.
મે ૨૦૨૩ થી મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં ૨૫૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થઇને રાહત કેમ્પોમાં રહેવા માટે મજબુર છે. હિંસાની આ સ્થિતિ વચ્ચે પ્રથમ વખત મૈતેઇ અને કૂકી સમાજના આગેવાનો શાંતિ સ્થાપવા આગળ આવ્યા છે. દિલ્હીમાં ગૃહ મંત્રાલયની છત્રછાયા હેઠળ આ બેઠક યોજાઇ હતી. જે આશરે પાંચ કલાક સુધી ચાલી હતી.
રાજ્યમાં કાયદો વ્યવસ્થા પર ચર્ચા કરાઇ
સુત્રોએ જણાવ્યું હતું કે શાંતિ સ્થાપિત કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોના ભાગરૂપે આ બેઠક યોજાઇ હતી, જેમાં મૈતેઇ અને કૂકી સમાજના લોકોએ મળીને મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટેના રોડ મેપ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કાયદો વ્યવસ્થા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મૈતેઇના છ સભ્યોના ડેલિગેશનમાં ઓલ મણિપુર યુનાઇટેડ ક્લબ્સ ઓર્ગેનાઇઝેશન અને ફેડરલ ઓફ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન પણ જોડાયું હતું. જ્યારે કૂકી ઝો કાઉન્સિલ (કૂકી સંગઠનોનું એક સમૂહ)ના ડેલિગેશનમાં નવ સભ્યો સામેલ થયા હતા. હિંસા ફાટી નીકળી તે પછી આવી કોઇ જ બેઠક યોજાઇ નહોતી. આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા તમામ સમાજના ધારાસભ્યોની બેઠકનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમાં કોઇ નિરાકરણ નહોતુ આવ્યું.