Last Updated on by Sampurna Samachar
૩૫ લાખથી વધુના દાગીના-રોકડની ચોરી
યાત્રાએ પરત ફરીને પરિવારના હોશ ઉડી ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાના કરનાલ જિલ્લાના સેક્ટર-૭માં એક પોશ વિસ્તારમાં ચોરીની મોટી ઘટના સામે આવી હતી. એક પરિવારના સભ્યો ધાર્મિક યાત્રાએ શ્રી બદ્રીનાથ ધામ ગયા હતા. આ દરમિયાન ઘરમાં કોઈ ન હતું, કારણ કે ઘરની પુત્રવધૂ પણ પિયરમાં હતી. આ તકનો લાભ લઈને ચાલાક ચોરોએ ખાલી ઘરને નિશાન બનાવી દીધું.

તસ્કરોએ ઘરનો મુખ્ય લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને લાખો રૂપિયાના દાગીના, રોકડ અને ચાંદીના સિક્કા ચોરી લીધા. એટલું જ નહીં, તસ્કરો ઘરના CCTV કેમેરાનો DVR પણ પોતાની સાથે લઈ ગયા, જેથી તેમના વિરુદ્ધ કોઈ પુરાવો ન રહી જાય.
મોટી ચોરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે ચિંતાઓ વધી
મળતી માહિતી મુજબ, પરિવારના સભ્યો યાત્રા દરમિયાન મોબાઈલ દ્વારા ઘરના કેમેરાની લાઇવ ફીડ જોઈ રહ્યા હતા. પાછા ફરતી વખતે તેમને ફીડ વારંવાર બફર થતી જોવા મળી. તેઓએ નેટવર્કની સમસ્યા સમજી. પરંતુ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમના હોશ ઉડી ગયા. મેઇન ગેટની અંદર પ્રવેશતાં જ તૂટેલો દરવાજો જોઈને તેઓ સ્તબ્ધ રહી ગયા.
મકાનનો લાકડાનો દરવાજો તૂટેલો હતો. અંદર જઈને જોયું તો રૂમના કબાટના લોક તૂટેલા હતા અને સામાન વેરવિખર પડ્યો હતો. રૂમમાં અને પલંગ પર સામાન વેરવિખેર પડ્યો હતો. પીડિત પરિવારના જણાવ્યા મુજબ, તસ્કરોએ અંદાજે ૩૦ થી ૩૫ લાખ રૂપિયાના સોનાના દાગીના, ૨થી ૨.૫ લાખ રૂપિયાની રોકડ અને ચાંદીના સિક્કા ચોરી લીધા. એટલું જ નહીં તસ્કરો CCTV DVR પણ ઉખાડીને પોતાની સાથે લઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. ફોરેન્સિક સાયન્સ લેબની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા. પોશ વિસ્તારમાં થયેલી આ મોટી ચોરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે ચિંતાઓ વધી છે. હાલ પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.