Last Updated on by Sampurna Samachar
પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ૩ નક્સલવાદીના મોત
મોટી માત્રામાં દારુગોળો અને હથિયારો મળી આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના દંતેવાડામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ફરી એન્કાઉન્ટર થયાના સમાચાર સામે આવ્યા છે. આ એન્કાઉન્ટર દંતેવાડા અને બીજાપુર જિલ્લાના સરહદી જંગલોમાં થયુ છે. જ્યાં સુરક્ષા દળોએ નક્સલીઓને ઘેરી લીધા હતા. એન્કાઉન્ટર (Encounter) માં અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે અને હથિયારો પણ મળી આવ્યા છે.
ઘટના અંગે બીજાપુરના SP જિતેન્દ્ર યાદવે કહ્યું કે સુરક્ષા દળની ટીમ નક્સલ વિરોધી ઓપરેશનમાં ગઈ હતી. આ દરમિયાન નક્સલવાદીઓની ટીમ સાથે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટર સ્થળ પરથી ત્રણ નક્સલવાદીઓના મૃતદેહ અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં ૫૦૦ થી વધુ જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા છે.
ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ સૈનિક શહીદ થયા
પોલીસને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં મોટા નક્સલવાદીઓ હાજર છે, ત્યારબાદ જવાનોએ ઓપરેશન શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે અને આ એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા હોઈ શકે છે. બંને તરફથી સતત ગોળીબાર થયો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦ માર્ચે, બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ૩૦ નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. બંને એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ સૈનિક રાજુ ઓયમ બીજાપુરમાં ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ સામે લડતા શહીદ થયા હતા.
પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે, દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદો પર સ્થિત ગિરસાપારા, નેલગોડા, બોડગા, અને ઈકેલી વિસ્તારોમાં નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ડીઆરજી અને બસ્તર ફાઈટર્સની ટીમે માઓવાદી વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ત્રણ નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે.
સુરક્ષાદળોને જોતાં જ નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબી ફાયરિંગમાં ત્રણ નક્સલી ઠાર થયા હતા. જેમાં એકની ઓળખ સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી રૂપે થઈ હતી. જેના માથે રૂ. ૨૫ લાખનું ઈનામ હતું. અન્ય બે નક્સલીની ઓળખ થઈ રહી છે. ત્રણેયના શબ પર સુરક્ષાદળોએ કબજો લીધો છે.
પોલીસ મહાનિરિક્ષક બસ્તર રેન્જના સુંદરરાજ PA જણાવ્યું કે, સરકારના નિર્દેશ પર લોકોની સુરક્ષા માટે DRG , STF , બસ્તર ફાઈટર્સ, કોબરા, CRPF , BSF , IDBP અને CAF ની સંયુક્ત ટીમે સંપૂર્ણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા ૮૩ દિવસમાં ૧૦૦થી વધુ નક્સલીને ઠાર માર્યા છે. ગત સપ્તાહે જ બે જુદા-જુદા ઓપરેશનમાં ૨૨ નક્સલીના ઢીમ ઢાળ્યા હતા. આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો હતો.
ગૃહમંત્રીએ અગાઉ જણાવ્યું હતું કે, દેશને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી નક્સલમુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે. જેના ભાગરૂપે સુરક્ષાદળો દ્વારા મોટાપાયે સર્ચ અભિયાન હાથ ધરાયા છે. ૨૦ માર્ચે બીજાપુર અને કાંકેરમાં ૩૦ નક્સલીને ઠાર કર્યા હતા. આ વર્ષે અત્યારસુધી રાજ્યમાં જુદી-જુદી અથડામણમાં ૧૧૬ નક્સલી માર્યા ગયા છે.