નીટ પેપર લીક મામલાથી લોકસભામાં માહોલ બગડ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ આપ્યુ નિવેદન

નવા શિક્ષણ મંત્રી અંગે પણ ગંભીર ટિપ્પણી કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને સત્તાપક્ષ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ, પેપર લીકના મુદ્દા અને નવા શિક્ષણ મંત્રીને લઈને આકરા પ્રહારો કર્યા હતા. તેમના નિવેદન બાદ ભાજપના સભ્યોએ કડક વિરોધ નોંધાવતા ગૃહમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

ચર્ચાની શરૂઆતમાં વિપક્ષની માંગને ધ્યાનમાં રાખીને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બિલ પર ચર્ચાનો સમય ૬ કલાકથી વધારીને ૧૦ કલાક કર્યો હતો. ત્યારબાદ ચર્ચામાં ભાગ લેતાં પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે પેપર લીકની ઘટનાઓના કારણે દેશના કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે, છતાં અત્યાર સુધી જવાબદારો સામે અસરકારક કાર્યવાહી થઈ નથી. તેમણે દાવો કર્યો કે સરકારની નીતિઓના કારણે શિક્ષણ વ્યવસ્થા નબળી પડી રહી છે અને યુવાનોનો વિશ્વાસ ઘટી રહ્યો છે.

પ્રિયંકા ગાંધીએ વિદ્યાર્થીઓ પર અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો

પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી અંગે પણ ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાને એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે, જેમણે ગર્ભવતી બળાત્કાર પીડિતાના કેસમાં દોષિતોની મુક્તિ અંગે સંમતિ આપી હતી. આ નિવેદન બાદ ભાજપના સાંસદોએ જાેરદાર વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. સ્થિતિ વણસતાં લોકસભાના અધ્યક્ષે દરમિયાનગીરી કરીને ગૃહમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પ્રિયંકા ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવતા કહ્યું કે આ પ્રકારની ટિપ્પણી નવા શિક્ષણ મંત્રીના ચારિત્ર્યહનન સમાન છે. તેમણે માંગ કરી હતી કે આ નિવેદનને સંસદના સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું કે જો આ આરોપને સમર્થન આપતા પુરાવા રજૂ ન કરી શકાય તો પ્રિયંકા ગાંધીએ ગૃહમાં માફી માંગવી જોઈએ.

ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે સરકારને પ્રશ્ન કર્યો કે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવાનો આદેશ કોણે આપ્યો હતો. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ સંવાદથી આવવો જોઈએ, દમનથી નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદ સમગ્ર દેશની છે અને અહીં યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નો પર ગંભીરતાથી ચર્ચા થવી જરૂરી છે.

પ્રિયંકા ગાંધીના નિવેદન બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી હતી. બિલ પર ચર્ચા આગળ વધતી રહી, પરંતુ શિક્ષણ મંત્રી અંગેની ટિપ્પણીને લઈને સર્જાયેલો વિવાદ સમગ્ર કાર્યવાહીનું કેન્દ્રબિંદુ બની રહ્યો.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.