Last Updated on by Sampurna Samachar
આ રિપોર્ટ સુપ્રીમકોર્ટને સોંપ્યા બાદ લેવાશે નિર્ણય
ન્યાયાધીશ વર્માનું ભાવી નક્કી થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસ કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે. કમિટીમાં સામેલ બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક હાઇકોર્ટના ન્યાયાધીશે વર્માના ઘરની મુલાકાત લીધી હતી. આશરે ૩૦ થી ૩૫ મિનિટ સુધી તેઓ વર્માના ઘરમાં રહ્યા હતા. કમિટીની તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે. જેના આધારે બાદમાં ન્યાયાધીશ વર્માનું ભાવી નક્કી થશે. કમિટીએ સ્થળની પણ મુલાકાત લીધી હતી કે જ્યાંથી રૂપિયા મળી આવ્યા હતા.
૧૪ મી માર્ચના રોજ ન્યાયાધીશ વર્માના ઘરે આગ લાગી હતી. જે આગને ઓલવવા જતા ફાયર બ્રિગેડની ટીમને વર્માના સ્ટોરરૂમમાં સળગી રહેલી નોટો જોવા મળી હતી, જેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો, આ વીડિયો બાદમાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ થકી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરી છે.
ટ્રાન્સફર ઓર્ડર પરત લેવાની વકીલોએ કરી માંગણી
આ કમિટીમાં સામેલ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નેગુ, હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ જી એસ સાંધાવાલિયા, કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ અનુ સિવરમણ ન્યાયાધીશ વર્માના દિલ્હી સ્થિત સરકારી આવાસે પહોંચ્યા હતા કે જ્યાં આ રૂપિયા મળી આવ્યા છે.
આ સમયે જજ વર્મા ઘરે હતા કે કેમ તેને લઇને કોઇ અહેવાલો સામે નથી આવ્યા. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ વર્માની દિલ્હી હાઇકોર્ટથી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં બદલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, વર્માની આ બદલીનો વિરોધ કરવા માટે અલ્લાહાબાદ હાઇકોર્ટ બાર અસોસિએશન દ્વારા વિરોધ શરૂ કરી દીધો છે અને અનિશ્ચિત સમયની હડતાળ પર ઉતરી ગયા છે.
હડતાળની આગેવાની લઇ રહેતા બાર અસોસિએશનના પ્રમુખ અનિલ તિવારીએ કહ્યું હતું કે આ પ્રદર્શન કોઇ જજ કે કોર્ટ સામે નથી પરંતુ ન્યાય વ્યવસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા સામે છે. અમારી લડાઇ ભ્રષ્ટાચારીઓ અને સિસ્ટમ સામે છે જેમાં પારદર્શિતાનો અભાવ છે. હાલમાં અમારી માંગણી ટ્રાન્સફર ઓર્ડર પરત લેવાની છે. શરૂઆતથી જ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, સમગ્ર દેશના વકીલો આ લડાઇ લડી રહ્યા છે. જ્યાં સુધી ઠરાવ ના પહોંચે ત્યાં સુધી અમે કામ શરૂ નહીં કરીએ.
બીજી તરફ ન્યાયાધીશ વર્માના ઘરેથી રોકડ રકમ મળી આવવા મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે બેઠક બોલાવી હતી, જેમાં ભાજપ અને વિપક્ષના સાંસદો જોડાયા હતા. આ બેઠકમાં ન્યાયપાલિકાની જવાબદેહી અંગે ર્નિણય લેવા ચર્ચા થઇ હતી, જોકે કોઇ નિરાકરણ નહોતુ આવ્યું. ટીએમસીના સાંસદોએ માંગ કરી છે કે આ મામલે સંસદના ગૃહમાં ચર્ચા થવી જોઇએ, અમે આ માટે નોટિસ પણ આપી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ પ્રિયંકા ચતૂર્વેદીએ કહ્યું હતું કે આજની બેઠકમાં કોઇ નિવેડો નથી આવ્યો, આગામી સપ્તાહે કદાચ આ મુદ્દે ચર્ચા થઇ શકે છે.