આ કેસની સુનાવણી ૧૭ માર્ચથી શરૂ થતા સપ્તાહમાં થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી નિયમોમાં કરાયેલા સુધારા પર જવાબ માંગ્યો છે. હવે આ કેસની સુનાવણી ૧૭ માર્ચથી શરૂ થતા સપ્તાહમાં થશે. ઉપરાંત, કોર્ટે આ અરજીને કોંગ્રેસના નેતા જયરામ રમેશની અરજી સાથે જોડી છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતના ચૂંટણી પંચની ભલામણ પર ચૂંટણી નિયમોમાં સુધારો કર્યો હતો. આ હેઠળ CCTV કેમેરા અને વેબકાસ્ટિંગ ફૂટેજ તેમજ ઉમેદવારોના વિડિયો રેકોર્ડિંગ જેવા અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોનું જાહેર નિરીક્ષણ અટકાવવા માટે ચૂંટણી આચાર નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય.
ચૂંટણી નિયમોમાં કરાયેલા સુધારા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને આગામી સુનાવણી પહેલા તેમનો જવાબ માંગ્યો છે. ECI ની ભલામણ પર, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે ચૂંટણી આચાર નિયમો, ૧૯૬૧ ના નિયમ ૯૩ (૨) (છ) માં સુધારો કર્યો છે.
આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે આ સુધારા સાથે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને જવાબદાર બનાવતી મહત્વની માહિતી જાહેર કરવામાં આવશે નહીં. તેમણે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે ECI ને ૧૯૬૧ના ચૂંટણી નિયમોમાં એકતરફી અને જાહેર સલાહ વિના ફેરફાર કરવાની મંજૂરી નથી.