Last Updated on by Sampurna Samachar
હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
છેલ્લા કેટલાક દિવસોથી માનસિક તણાવમાં હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટનામાં NEET ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિનીનુ શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ પત્રકાર નગર વિસ્તારમાં આવેલા રાધે કૃષ્ણ હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીનીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. મૃતક શ્રુતિ કુમારી મૂળ સમસ્તીપુરની રહેવાસી હતી અને વર્ષ ૨૦૨૪ થી પટનામાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તેની મિત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી તે માનસિક રીતે પરેશાન હતી.
કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી
હોસ્ટેલ સંચાલિકાએ જણાવ્યું કે રાત્રે તેણીએ સામાન્ય રીતે ભોજન લીધું હતું અને ત્યારબાદ પોતાના રૂમમાં જતી રહી હતી. તેઓએ કહ્યું કે તે શાંત સ્વભાવની અને અભ્યાસપ્રેમી વિદ્યાર્થીની હતી. વાત કરીએ તો તે લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન નીકળતાં બાજુના રૂમમાં રહેતી વિદ્યાર્થીનીઓને શંકા ગઈ હતી. અનેક વખત દરવાજો ખખડાવ્યા છતાં કોઈ જવાબ ન મળતા દરવાજો ખોલવામાં આવ્યો, જ્યાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. વિદ્યાર્થીનીઓએ તરત જ હોસ્ટેલ સંચાલન અને પોલીસને જાણ કરી હતી.
આ મામલામાં એક યુવકનું નામ પણ સામે આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીની કોઈ વ્યક્તિગત કારણસર પરેશાન હતી. જોકે પોલીસ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન વિદ્યાર્થીનીનો મોબાઈલ ફોન, ઓળખપત્ર અને અન્ય મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ સુધી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી.