Last Updated on by Sampurna Samachar
લગ્નના ૧૫ દિવસ બાદ પતિની હત્યા કરી પ્રેમીને પામવા માંગતી હતી પ્રગતિ
હત્યાના કાવતરામાં અનુરાગે સોપારી આપી હત્યા કરાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પવિત્ર બંધન માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેશમાંથી લગ્ન સબંધને બદનામ કરતા કિસ્સાઓ સામે આવતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક પતિ – પત્ની વચ્ચેના સબંધના મહત્વને ઘટાડતો બનાવ સામે આવ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના મૈનપુરીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યા લગ્નના ૧૫ દિવસમાં જ પ્રેમીને પામવા માટે પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે.
ઘટના એવી છે કે, ઉત્તર પ્રદેશ (UTTAR PRADESH) ના મૈનપુરીના દિલીપ અને ઔરૈયાની રહેવાસી પ્રગતિના લગ્ન દરેક માટે એક સ્વપ્ન જેવું હતું. આ ખુશીના પ્રસંગમાં માત્ર સગાંઓ જ નહીં પણ પડોશીઓ પણ હાજર રહ્યા હતા. દરેક ધાર્મિક વિધિ ધામધૂમથી કરવામાં આવી રહી હતી. પરંતુ આ ધાર્મિક વિધિ દરમિયાન દુલ્હન પ્રગતિના મનમાં સાત જન્મ માટે પ્રતિજ્ઞા લેવાને બદલે કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
લગ્ન પછી પણ પ્રેમી પ્રત્યે પ્રેમ જીવંત રહ્યો
પ્રગતિની મોટી બહેન પારુલના લગ્ન વર્ષ ૨૦૧૯ માં દિલીપના મોટા ભાઈ સંજય સાથે થયા હતા, તેથી પ્રગતિ અને દિલીપ એકબીજાથી પરિચિત હતા. પરંતુ આ સંબંધમાં એક અકથિત સત્ય છુપાયેલું હતું. પ્રગતિ પહેલેથી જ તેના ગામના રહેવાસી અનુરાગ યાદવના પ્રેમમાં હતી. આ સાથે એક એવી પણ વાત મળી હતી કે, જ્યારે પરિવારને આ સંબંધની ખબર પડી તો પરિવારે ઉતાવળે તેના લગ્ન દિલીપ સાથે નક્કી કરી દીધા હતા.
ત્યારબાદ ૫ માર્ચ ૨૦૨૫ના રોજ બંને લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. પરંતુ પ્રગતિના ઇરાદા બદલાયા નહીં. લગ્ન પછી પણ અનુરાગ પ્રત્યેનો તેનો પ્રેમ જીવંત હતો. ત્યારે તેના પ્રેમીને પામવા તેણે એક એવો રસ્તો પસંદ કર્યો, જેણે બધાને ચોંકાવી દીધા હતા.
પ્રગતિએ તેના પ્રેમી અનુરાગ સાથે મળીને દિલીપને આ દુનિયામાંથી હટાવવાનો એક ખતરનાક પ્લાન ઘડ્યો. પ્રગતિએ વિચાર્યું કે, જો દિલીપની હત્યા થાય તો જ તે અનુરાગ સાથે નવું જીવન વિતાવી શકશે, અને આ ઉપરાંત તેને દિલીપના ઘરેથી પૈસા પણ મળશે, પરંતુ તેને અંદાજો નહોતો કે ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય, કોઈને કોઈ સુરાગ હંમેશા છોડી જ છે.
પોલીસ અધિક્ષક અભિજીત શંકરે જણાવ્યું હતું કે, ‘ ૧૯ માર્ચ, ૨૦૨૫ ના રોજ, ઔરૈયા જિલ્લાના સહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને માહિતી મળી હતી કે એક વ્યક્તિ ઘઉંના ખેતરમાં ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડેલો છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે જોયું કે, તે માણસ લોહીથી લથપથ હતો. ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ત્રણ દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમ્યા બાદ ૨૨ માર્ચના રોજ તેનું મૃત્યુ થયું હતું.
મૃતકની ઓળખ દિલીપ યાદવ તરીકે થઈ હતી. જ્યારે આ સમાચાર તેમના પરિવારને આપવામાં આવ્યા ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો. દિલીપના ભાઈએ સહારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો અને પોલીસે આ બ્લાઈન્ડ મર્ડર કેસની તપાસ શરુ કરી.
પોલીસે ‘ઓપરેશન ત્રિનેત્ર‘ હેઠળ સીસીટીવી ફૂટેજ શોધ્યા અને તેમાંથી જે સત્ય બહાર આવ્યું તેણે સૌને ચૌંકાવી દીધા. વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે, કેટલાક લોકો દિલીપને બાઇક પર બેસાડીને લઈ જઈ રહ્યા હતા. આ સુરાગના આધારે પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા અને ટૂંક સમયમાં રામજી નગરનું નામ પ્રકાશમાં આવ્યું. ૨૪ માર્ચ, ૨૦૨૫ના રોજ પોલીસે રામજી નાગરની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન તેણે જે કબૂલાત કરી અને તેના દ્વારા સમગ્ર કેસના પડદા ખુલી ગયા.
રામજી નાગરે જણાવ્યું કે, ‘આ આખુ કાવતરું પ્રગતિ અને તેના પ્રેમી અનુરાગ યાદવે રચ્યું હતું. લગ્ન પહેલા પણ પ્રગતિ અનુરાગના પ્રેમમાં હતી અને તેને કોઈપણ કિંમતે પ્રેમીને પામવા માંગતી હતી. પરંતુ બળજબરીથી કરાયેલા લગ્ને તેને એટલી હદે ધકેલી દીધી કે તેણે હત્યાનો માર્ગ પસંદ કર્યો.
પ્રગતિએ જ અનુરાગને એક લાખ રૂપિયા આપ્યા હતા, જે અનુરાગે મુખ્ય હત્યારા રામજી નાગરને આપી દીધા. આ સોદો ૨ લાખ રૂપિયામાં નક્કી થયો અને આખી ટીમ સાથે મળી અંજામ આપ્યો હતો. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રામજી નાગર, અનુરાગ યાદવ અને પ્રગતિ યાદવ પોતે. પરંતુ તપાસ હજુ પૂરી થઈ નથી. પોલીસને આ કાવતરામાં અન્ય લોકોની સંડોવણી અંગે સંકેતો મળ્યા છે, જેમની હાલમાં શોધખોળ ચાલુ છે.