વલસાડમાં ત્રણ માસૂમ બાળકોના કરુણ મોતથી હડકંપ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

માતાએ ત્રણેય બાળકોને માર્યાના પરિવારના ગંભીર આક્ષેપ

આ મામલે પોલીસે તપાસ આદરી

(સંપૂર્ણ સમાચાર સેવા)

વલસાડના ઉમરગામના પાલી કરમબેલી ગામમાં એક પરિવારના ભાઇ બહેનોના મોતની આઘાતજનક ઘટના સામે આવી છે. વાત કરીએ તો એક જ પરિવારના જુડવા બાળકો અને એક બાળકી મળીને કુલ ત્રણ બાળકોના મોત નીપજ્યા છે ત્યારે તેમની માતાએ પણ શંકાસ્પદ પ્રવાહી પી લીધું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત થયા હતા. જેમાં ૯ મહિનાના જુડવા દીકરા આર્યન અને વિહાન તેમજ ત્રણ વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ચર્ચા થઈ રહી છે કે, માતા નિશાબેન સંજયભાઈ હળપતિએ તેના જ ત્રણેય સંતાનોને કોઈ ઝેરી પદાર્થ ખવડાવી દીધો હતો. જે બાદ પોતે પણ શંકાસ્પદ પ્રવાહી ગટગટાવી લીધું હતું. માતાની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી.

રાત્રે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હોવાની માહિતી

બનાવની જાણ થતા જ ભીલાડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, માતાએ જ બાળકોને ભોજનમાં કાંઈક નાંખીને મારી નાંખ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

ગામલોકોના જણાવ્યા પ્રમાણે, પિતા સંજયભાઈ વસંતભાઈ હળપતિ વહાણમાં નોકરી કરે છે. સંજયભાઈ થોડા દિવસો પહેલા જ દરિયાઈ સફર ખેડીને ઘરે પરત ફર્યા હતા. જ્યાં કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદના આઘાતમાં અને ગુસ્સામાં આવીને માતાએ રાત્રિના સમયે આ લોહિયાળ પગલું ભર્યું હોવાનું સગા-સંબંધીઓ જણાવી રહ્યા છે.

મૃતક બાળકોના ફોઈએ આ અંગે જણાવ્યુ છે કે, હું કાલે જ તેમના ઘરે આવી હતી. પતિ પત્ની કોઈ વાત પર લડતા હતા. શું વાત હતી એ તો મને નથી ખબર. મારી ભાભીએ પહેલા બે નાના બાળકોને નવડાવીને મને લુછવા માટે આપી ગઈ અને ત્રીજી બાળકીને પણ નવડાવી દીધી હતી. આ દરમિયાન મેં તેમને સમજાવ્યા કે, તમને બાળકો આપ્યાં છે અમારા જેવા લોકો બાળકો માટે રખડીએ છીએ તમારે થોડું વિચારવાનું. આટલું કહીને હું નીકળી ગઈ હતી અને મને સવારે મારા ભાઈના છોકરાનો ફોન આવ્યો કે નિશાએ ત્રણ બાળકોને મારી નાંખ્યા છે.

સાસુએ આક્ષેપ લગાવ્યો છે કે, એ મારા છોકરાની વહુ તેની મમ્મીના ઘરે જ રહે છે. એને કોઈ સાથે અફેર ચાલતું હતું એવી મારા દીકરાને ખબર પડી એટલે મારા દીકરાએ તેને કહ્યુ હતુ. મારા છોકરાએ તેને કહ્યુ હતુ કે, તે આ બાળકોને અહીં મૂકી તેના મમ્મીના ઘરે જતી રહે. તો રીસમાં આવીને મારા દીકરાની વહુએ તેના ત્રણેય છોકરાઓને શું ખવડાવી દીધું કંઈ ખબર ન પડી. એ તો અમે સવારે, જાગ્યા ત્યારે ખબર પડી, રાતના તો અમને શું ખબર પડે? બાર વાગ્યા લગીન તો અમે ઓસરીમાં હતા પછી અમે અને એ લોકો સુઈ ગયા. સવારે આ છોકરાઓ ઉઠ્યા જ નહીં.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.