Last Updated on by Sampurna Samachar
સમગ્ર મામલે ૧૯ વર્ષીય પીડિતાનું નિવેદન સામે આવ્યું
ગુરુગ્રામ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુરુગ્રામમાં એક યુવક ત્રિપુરાની રહેવાસી પોતાની ગર્લફ્રેન્ડના ચરિત્ર પર શંકા કરતો હતો, જેના કારણે તે અવારનવાર તેની સાથે મારપીટ કરતો હતો. પરંતુ ગત દિવસોમાં તેણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી અને યુવતીને એટલી હદે મારી કે તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હવે આ સમગ્ર મામલે ૧૯ વર્ષીય પીડિતાનું નિવેદન સામે આવ્યું છે.

યુવતીએ ગુરુગ્રામ પોલીસને જણાવ્યું કે તેના પાર્ટનરે તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર સેનિટાઈઝર છાંટીને આગ લગાડી દીધી હતી. યુવતીએ આગળ દાવો કર્યો કે, તેના પાર્ટનરે તેના માથા પર મેટલની બોટલ મારી અને પછી તેને દરવાજા તથા કબાટ પર પછાડી હતી.
પિડીતાના પ્રાઇવેટ પાર્ટ પર સેનિટાઈઝર નાખીને આગ લગાડી હતી
યુવતીના જણાવ્યા અનુસાર, તે અને આરોપી સપ્ટેમ્બર ૨૦૨૫માં એક ઓનલાઇન ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. જેના થોડા મહિનાઓ પછી તેઓ સાથે રહેવા લાગ્યા હતા. યુવતીએ દાવો કર્યો કે, તેના પાર્ટનરે માત્ર તેની સાથે મારપીટ જ નહોતી કરી પરંતુ તેના પર ચાકુથી પણ હુમલો કર્યો હતો.
આ મારપીટ સતત ૩ દિવસ સુધી ચાલી હતી. આરોપીએ લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે ગુરુગ્રામ પોલીસે ફરિયાદ નોંધી છે. ગુરુગ્રામ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલમાં યુવતીની હાલત હજુ પણ ગંભીર છે અને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
પીડિતાની માતાએ જણાવ્યું કે, “મારી દીકરીએ મને ફોન કર્યો અને મારપીટથી બચાવવા માટે વિનંતી કરી હતી.” માતાની માંગ છે કે, આરોપી વિરુદ્ધ રેપ અને હત્યાના પ્રયાસની કલમો પણ ઉમેરવામાં આવે. માતાનું કહેવું છે કે તેમને ખબર નહોતી કે તેમની દીકરી ગુરુગ્રામમાં નરાધમ સાથે રહી રહી છે.
ફરિયાદ મુજબ, પીડિતા મૂળ ત્રિપુરાની વતની છે અને ગુરુગ્રામના સેક્ટર-૬૯માં એક બાયોટેકનો અભ્યાસ કરી રહી હતી. તેની મુલાકાત દિલ્હીના નરેલાના રહેવાસી શિવમ નામના યુવક સાથે એક ઓનલાઇન એપ દ્વારા થઈ હતી. બંને વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૫ થી વાતચીત શરૂ થઈ અને બાદમાં તેઓ મળવા લાગ્યા હતા.
પીડિતાનો આરોપ છે કે, આરોપીએ લગ્નનું બહાનું આપીને તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી બંને થોડો સમય ગુરુગ્રામમાં સાથે રહ્યા હતા. આ દરમિયાન આરોપી તેના પર શંકા કરવા લાગ્યો અને મારપીટ શરૂ કરી. ફરિયાદમાં નોંધાયેલા નિવેદન મુજબ, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આરોપીએ પીડિતા સાથે અત્યંત ર્નિદયતાથી મારપીટ કરી હતી. આરોપ છે કે, તેણે સ્ટીલની બોટલથી માથા પર હુમલો કર્યો, માથું દીવાલ અને ફર્નિચર સાથે અથડાવ્યું, માટીના વાસણથી પ્રહાર કર્યો અને તેના પ્રાઇવેટ પાર્ટ પર સેનિટાઈઝર નાખીને આગ પણ લગાડી દીધી હતી.
એટલું જ નહીં, આરોપીએ ચાકુથી તેના પગ પર પણ ઘા કર્યા અને ધમકી આપી કે તે તેને એટલી મારશે કે તે ક્યારેય ચાલી શકશે નહીં અને ક્યારેય માતા પણ બની શકશે નહીં. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, આરોપીએ તેના ન્યૂડ વીડિયો પણ બનાવી લીધા હતા.
૧૮ ફેબ્રુઆરીની રાત્રે પીડિતાએ આરોપીના ફોનથી તેની માતાને બંગાળી ભાષામાં સમગ્ર વાત જણાવી, કારણ કે આરોપીને બંગાળી આવડતી નહોતી. ત્યારબાદ તેની માતાએ ૧૧૨ નંબર પર કોલ કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને સેક્ટર-૧૦ની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી.
શરૂઆતમાં ડોક્ટરોએ તેને નિવેદન આપવા માટે અસમર્થ જાહેર કરી હતી અને બાદમાં તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ તેને નિવેદન માટે ફિટ જાહેર કરી, ત્યારબાદ પોલીસે તેનું વિગતવાર નિવેદન નોંધ્યું.