Last Updated on by Sampurna Samachar
મોટાપાયે વેચવાલીના પગલે રોકાણકારોએ ૭.૨૬ લાખ કરોડ ગુમાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજાર સતત આઠમા દિવસે તૂટ્યા છે. સાવર્ત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી હતી. જેમાં સ્મોલકેપ અને મીડકેપ ઇન્ડેક્સ ૩ ટકાથી વધુ તૂટતાં રોકાણકારો રાતા પાણીએ રોયા હતા.
સેન્સેક્સમાં ઇન્ટ્રા ડે ૧૦૪૩.૪૨ પોઇન્ટની વોલેટિલિટી બાદ અંતે ૧૯૯.૭૬ પોઇન્ટના ઘટાડે ૭૫૯૩૯.૨૧ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૦ પણ ૨૨૮૦૦ની ટેકાની સપાટી તોડી ૨૨૭૭૪.૮૫ના ઇન્ટ્રા ડે લો લેવલે પહોંચ્યો હતો. જે અંતે ૧૦૨.૧૫ પોઇન્ટના કડાકે ૨૨૯૨૯.૨૫ પર બંધ રહ્યો હતો. લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે રોકાણકારોએ ૭.૨૬ લાખ કરોડ ગુમાવ્યા હતા.
સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટા કડાકા સાથે ઇન્ડેક્સ ક્રમશઃ ૧૫૨૨.૪૪ પોઇન્ટ અને ૧૦૫૬.૩૨ પોઇન્ટ તૂટ્યો હતો. પીએસયુ, રિયાલ્ટી અને પાવર શેરોમાં પણ કડડભૂસ થતાં ઇન્ડેક્સ ૨ ટકાથી વધુ તૂટ્યા હતા. શેરબજાર આજે એકંદરે રેડઝોનમાં રહ્યું હતું.
સેન્સેક્સ પેકમાં ટ્રેડેડ કુલ ૪૦૮૩ સ્ક્રિપ્સ પૈકી ૬૮૬માં જ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ૩૩૧૬ શેર ઘટાડે બંધ રહ્યા હતા. ૪૭ શેર વર્ષની ટોચે અને ૬૪૧ શેર વર્ષના તળિયે તૂટ્યા હતા. તદુપરાંત ૧૧૬ શેરમાં અપર સર્કિટ અને ૪૮૦ શેર લોઅર સર્કિટ વાગી હતી