Last Updated on by Sampurna Samachar
કન્ફર્મ રિઝર્વ્ડ ટિકિટ ધરાવતા મુસાફરોને પ્લેટફોર્મ પર પ્રવેશ મળશે
કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, રેલવે સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનને સુધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આમાં પહોળા ફૂટ-ઓવર-બ્રિજ, CCTV સર્વેલન્સ અને વોર રૂમની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તહેવારો અને મેળાઓ દરમિયાન ભારે ભીડને નિયંત્રિત કરવા માટે, રેલવેએ મર્યાદિત પ્રવેશ નિયંત્રણ પ્રણાલી લાગુ કરી છે. આ વ્યવસ્થા હેઠળ, સ્ટેશનોની બહાર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં ટ્રેન પ્લેટફોર્મ પર ન આવે ત્યાં સુધી મુસાફરોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
રેલવે કર્મચારીઓને નવા ગણવેશ અને ઓળખપત્ર
રેલવે (RAIL WAY) મંત્રીના જણાવ્યા મુજબ, ૨૦૨૪ ના તહેવારોની મોસમ દરમિયાન, સુરત, ઉધના, પટના અને નવી દિલ્હીમાં હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા હતા. મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના નવ સ્ટેશનો પર પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ અનુભવોના આધારે, દેશભરના ૬૦ સ્ટેશનો પર કાયમી વેટિંગ એરિયા બનાવવામાં આવશે.
હવે ૬૦ સ્ટેશનો પર સંપૂર્ણ પ્રવેશ નિયંત્રણ લાગુ કરવામાં આવશે. ફક્ત કન્ફર્મ રિઝર્વ્ડ ટિકિટ ધરાવતા મુસાફરોને જ પ્લેટફોર્મ પર પ્રવેશ આપવામાં આવશે, જ્યારે વેઇટિંગ લિસ્ટ અને ટિકિટ વગરના મુસાફરોએ બહારના વેઇટિંગ એરિયામાં રહેવું પડશે. અનધિકૃત પ્રવેશદ્વારો પણ સીલ કરવામાં આવશે.
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, નવી ડિઝાઇનના ૧૨ મીટર અને ૬ મીટર પહોળા એફઓબી બનાવવામાં આવશે, જે ભીડ વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે. આ ઉપરાંત, તમામ મુખ્ય સ્ટેશનો પર દેખરેખ માટે સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવશે. આ સાથે, મુખ્ય રેલવે સ્ટેશનો પર વોર રૂમ બનાવવામાં આવશે, જ્યાં ભીડના કિસ્સામાં તમામ વિભાગોના અધિકારીઓ સંકલનમાં કામ કરશે. બધા જ ભીડભાડવાળા સ્ટેશનો પર વોકી-ટોકી, જાહેરાત સિસ્ટમ અને ડિજિટલ કોમ્યુનિકેશન સાધનો સ્થાપિત કરવામાં આવશે.
રેલવે કર્મચારીઓને નવા ગણવેશ અને ઓળખપત્ર આપવામાં આવશે, જેથી ફક્ત અધિકૃત વ્યક્તિઓ જ સ્ટેશનોમાં પ્રવેશ કરી શકશે. મુખ્ય સ્ટેશનો પર સ્ટેશન ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવશે જેમને નાણાકીય સત્તાઓ આપવામાં આવશે જેથી તેઓ તાત્કાલિક ર્નિણયો લઈ શકે.
સ્ટેશન ડિરેક્ટરને સ્ટેશનની ક્ષમતા અને ઉપલબ્ધ ટ્રેનો અનુસાર ટિકિટના વેચાણને નિયંત્રિત કરવાનો અધિકાર આપવામાં આવશે. સ્ટેશનો પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થનિક પોલીસ અને નાગરિક વહીવટીતંત્ર પણ સામેલ થશે.
આ ઉપરાંત, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર તાજેતરમાં થયેલી ભાગદોડમાંથી બોધપાઠ લેતા, રેલવે ઝોનલ અધિકારીઓને પ્લેટફોર્મ ટિકિટના વેચાણને નિયંત્રિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જોકે, વૃદ્ધો, અભણ અને મહિલા મુસાફરોને મદદ કરવા માટે ચોક્કસ ખાસ પરિસ્થિતિઓમાં પ્લેટફોર્મ ટિકિટ જાહેર કરવામાં આવશે.