Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કર્યો હતો સવાલ
રાજ્ય સરકારે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત વિધાનસભામાં સરકારને દારૂના પરવાના ધરાવતી હોટલમાં દારૂમાંથી થતી ટેકસની આવક મુદ્દે પૂછવામાં આવેલા જવાબમાં સરકારે માહિતી આપી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માત્ર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં દારૂના પરવાના ધરાવતી હોટલમાંથી ૩૩.૯૮ કરોડ રૂપિયાની કમાણી થઈ છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો હતો કે, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ની અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કેટલી હોટલોને દારૂ વેચાણ માટે પરવાના આપવામાં આવ્યા છે? જ્યારે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-ગાંધીનગર જિલ્લાની કેટલી હોટલના દારૂ વેચાણ માટેના પરવાના કયા કારણોસર રદ કરવામાં આવ્યા છે? તેમજ છેલ્લા બે વર્ષમાં વાર્ષિક દારૂના વેચાણથી ટેક્સમાંથી કેટલી આવક થઈ છે?
બંને જિલ્લામાં ૨૮ હોટલને પરમિશન
આ મુદ્દે સરકારે જવાબ આપ્યો હતો કે, રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં દારૂના પરવાના ધરાવતી હોટલોમાં દારૂના વેચાણથી ટેક્સમાંથી ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં ૧૪.૪૫ કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ૧૯.૫૩ કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે અમદાવાદ શહેરમાં ૨૦ અને જિલ્લામાં ૦૨ હોટેલમાં પરવાના છે. ગાંધીનગર શહેરમાં ૦૪ અને જિલ્લામાં ૦૨ હોટલોમાં દારૂના વેચાણ માટેના પરવાના આપવામાં આવ્યા છે. જેમાં એકપણ હોટલના દારૂ વેચવાના પરવાના રદ્દ કરવામાં આવ્યા નથી.