છેલ્લા બે સપ્તાહમાં સોલા સિવિલની OPD નો આંકડો ૨૫ હજારને પાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અસહ્ય ગરમી અને દુષિત પાણીને કારણે રોગચાળો વકર્યો

મેડિકલ ઓફિસર ડો. કુલીન વ્યાસે આપી માહિતી

(સંપૂર્ણ સમાચાર સેવા)

સામાન્ય રીતે જોઇએ તો ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાતો હોય છે, પરંતુ આ વર્ષે ગરમીમાં રોગચાળો વકરતાં સ્થિતિ ચિંતાજનક બની છે. અસહ્ય ગરમી અને ભર ઉનાળાની વચ્ચે જ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે.

ચોમાસાના આગમન પહેલાં જ દૂષિત પાણી અને ખોરાકને કારણે ઝાડા-ઊલટી, તાવ અને ટાઈફોઈડના કેસોમાં તોતિંગ વધારો નોંધાયો છે. અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

પીડિયાટ્રિક વોર્ડમાં ૧૦ જેટલા બાળકો સારવાર હેઠળ

વાત કરીએ તો સોલા સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોતાં રોગચાળો કેટલો ગંભીર છે તેનો અંદાજ લગાવી શકાય, હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ છેલ્લા બે સપ્તાહમાં જ હોસ્પિટલની ઓપીડી નો આંકડો ૨૫,૦૦૪ ને પાર પહોંચી ગયો છે. રોગની ગંભીરતાને કારણે હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૨૨૮૮ જેટલા દર્દીઓને એડમિટ કરવા પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉનાળામાં પાણીની અછત અથવા દૂષિત પાણીના પુરવઠાને કારણે પેટના રોગો વકર્યા છે. સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. કુલીન વ્યાસના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૫ દિવસમાં જ હોસ્પિટલ દ્વારા ઝાડા-ઊલટી અને તાવના ૮૫ જેટલા સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ સિઝનમાં ખાસ કરીને ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ટાઈફોઈડના ૧૦ કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે ચોમાસા પહેલા જ મચ્છરોનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યુ અને મેલેરિયાના શંકાસ્પદ કેસો મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાવના દર્દીઓનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુના આશરે ૧૨૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી ૧૬ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેલેરિયાની આશંકાને પગલે ૧૨૧૨ જેટલા સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.

આ રોગચાળાની સૌથી માઠી અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. ઉનાળાની ગરમી અને ચેપી રોગોના કારણે માસૂમ બાળકોમાં ઝાડા-ઊલટીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. હાલમાં સોલા સિવિલના પીડિયાટ્રિક વોર્ડમાં ૧૦ જેટલા બાળકો ગંભીર લક્ષણોને કારણે સારવાર હેઠળ દાખલ છે.

ડો. કુલીન વ્યાસે જણાવ્યું હતું કે, ઋતુ બદલાવાને કારણે અને ઉનાળાની ગરમીમાં દૂષિત પાણી-ખોરાકથી રોગચાળો ફેલાઈ રહ્યો છે. નાગરિકોને અપીલ છે કે તેઓ પાણી ઉકાળીને પીવે, બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવાનું ટાળે અને મચ્છરોથી બચવા ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દે. બાળકોમાં ઝાડા-ઊલટીના લક્ષણો દેખાય તો તરત જ નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો.”

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.