Last Updated on by Sampurna Samachar
ધારાસભ્ય જયેશ રાદડિયાની રેલવેના જનરલ મેનેજરને રજૂઆત
આર્થિક અને સામાજિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લામાં આવેલા જેતલસર જંક્શનના રેલવે પ્રશ્ને ફરી એકવાર રાજકીય અને સામાજિક ગરમાવો પકડ્યો છે. રેલવેની વિવિધ કામગીરી અન્યત્ર ખસેડવાના ર્નિણય અને ૭૨ કર્મચારીઓની બદલીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવેના જનરલ મેનેજર સમક્ષ રજૂઆત કરી છે અને ૧૦ દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ટ્રેન રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

જેતલસર જંક્શન પરથી લોકો લોબી, બ્રેકડાઉન સહિતની મહત્વપૂર્ણ કામગીરી અન્ય સ્થળે ખસેડવાના ર્નિણય સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સાથે જ જંક્શન પરથી ૭૨ જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોનું માનવું છે કે, સતત થઈ રહેલી બદલીના કારણે વિસ્તારની આર્થિક અને સામાજિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે.
અગાઉ દિલ્હી ખાતે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરાઇ હતી
આ સમગ્ર મામલે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉગ્ર રજૂઆત કરી હતી. રાદડિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જેતલસર જંક્શનનું મહત્વ ઘટાડવાના કોઈપણ પ્રયાસો સ્વીકારવામાં નહીં આવે. તેમણે લોકો પાયલટ, ટ્રેન મેનેજર સહિતનો સ્ટાફ ફરીથી જેતલસર ખાતે જ મુકવાની માંગ કરી છે.
ધારાસભ્યએ ચેતવણી આપતા કહ્યું કે, જો આગામી ૧૦ દિવસમાં પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો જનતા સાથે મળીને ટ્રેન રોકો આંદોલન કરવામાં આવશે. જરૂર પડશે તો ઉગ્ર લડત પણ આપવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અગાઉ રેલવે બચાવ સમિતિ દ્વારા પણ દિલ્હી ખાતે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજી સુધી સંતોષકારક ઉકેલ ન આવતા સ્થાનિકોમાં નારાજગી વધી રહી છે. હવે રેલવે તંત્ર આગામી દિવસોમાં શું ર્નિણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
જેતલસર જંક્શનના અસ્તિત્વ અને મહત્વને જાળવી રાખવા માટે સ્થાનિકો અને જનપ્રતિનિધિઓ એકસાથે મેદાનમાં આવ્યા છે. હવે ૧૦ દિવસની અંદર રેલવે તંત્ર શું પગલાં ભરે છે અને આંદોલનની ચીમકી હકીકતમાં ફેરવાય છે કે નહીં, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.