Last Updated on by Sampurna Samachar
ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોના ઘર તોડી પડાયા
૭૫ બુલડોઝર અને ૧૫૦ ડમ્પર તેમજ આઠ હજાર પોલીસ તૈનાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ફરી એક વાર ગેરકાયદેસર બાંધકામ પર એક્શન લેવાયું છે. અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કામાં લગભગ ૨.૫ હજાર ગેરકાયદેસર મકાનો પાડવાનુ આયોજન છે. પહેલા તબક્કામાં આ વિસ્તારમાં લગભગ ૩ હજાર મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર મકાનો પર કાર્યવાહીની બીજા તબક્કામાં મોટા પાયે તૈયારીઓ થઈ છે. પ્રશાસને કાર્યવાહીને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ૭૫ બુલડોઝર અને ૧૫૦ ડમ્પર તૈનાત કર્યા સાથે જ સુરક્ષા માટે ૮ હજાર પોલીસકર્મી તૈનાત કર્યા છે.
લગભગ ૩ હજાર ગેરકાયદેસર મકાનો તોડી પડાયા
અહીં ઉલ્લેખનિય છે કે, અગાઉ, ૨૯ અને ૩૦ એપ્રિલના રોજ અભિયાનના પહેલા તબક્કામાં, લગભગ ૩ હજાર ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોના હતા. બીજા તબક્કામાં પણ વહીવટીતંત્ર અઢી હજારથી વધુ ગેરકાયદે બાંધકામોને નિશાન બનાવી રહ્યું છે.
ગુજરાત પોલીસે છેલ્લા કેટલાક અઠવાડિયામાં હજારો ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે, જેમાં અમદાવાદમાં રહેતા મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓનો પણ સમાવેશ થાય છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહેલી આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાનો અને ઘુસણખોરો પર કડક કાર્યવાહી કરવાનો છે.
ચંડોળા તળાવ વિસ્તાર લાંબા સમયથી ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સનો ગઢ રહ્યો છે, જ્યાં માનવ તસ્કરી અને નકલી દસ્તાવેજોનું નેટવર્ક વ્યાપક હતું. આ વિસ્તાર પર ગેરકાયદેસર કબજો ૧૯૭૦-૮૦ના દાયકામાં શરૂ થયો હતો, જ્યારે અહીં મોટી સંખ્યામાં સ્થળાંતરિત વસાહતો સ્થપાઈ હતી.
૨૦૦૨ માં, એક એ આ વિસ્તારમાં સિયાસત નગર નામની વસાહત સ્થાપી. આ પછી, ૨૦૧૦ થી ૨૦૨૪ ની વચ્ચે, ચંડોળા તળાવની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ વધ્યું. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં લોકો દ્વારા મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.