Last Updated on by Sampurna Samachar
પહેલી ટીમ ૧૪ મેના રોજ કાઠગોદામથી રવાના થશે
પર્વત યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે શરુ થવાની આશા સાથે કુમાઉ મંડળ વિકાસ નિગમ (KMVN) એ આદિ કૈલાસ-ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર કર્યું છે. કૈલાસ યાત્રાની પહેલી ટીમ ૧૪ મેના રોજ કાઠગોદામથી રવાના થશે. આ ટીમ યાત્રા પૂર્ણ કર્યા પછી કાઠગોદામમાં રિપોર્ટ કરશે. તેમજ ઘારચૂલાથી યાત્રાની પહેલી ટીમ ૧૫ મેના રોજ રવાના થશે. કાઠગોદામથી આઠ અને ધારચુલાથી પાંચ ટીમો યાત્રા પર જશે.
કાઠગોદામથી જતાં શ્રદ્વાળુઓ ગોલ્જુ મંદિર ચિતાઈ, પ્રસિદ્વ શિવ મંદિર જાગેશ્વર અને પાતાળ ભુવનેશ્વર ગુફાના પણ દર્શન કરશે. ઑક્ટોબર ૨૦૨૩ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પછી આદિ કૈલાસ (KAILASH) -ઓમ પર્વત યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો વધારો થયો છે.
સેના ઊંચા હિમાલયમાં યાત્રાના સંચાલનમાં સંપૂર્ણ મદદ કરશે
યાત્રાના શેડ્યુલ પ્રમાણે પહેલા દિવસે ભક્તોનું ગ્રૂપ કાઠગોદામથી ભીમતાલ, જાગેશ્વર થઈને ૧૯૬ કિમીનું અંતર કાપીને પિથોરાગઢ પહોંચશે અને બીજા દિવસે તેઓ પિથોરાગઢથી ધારચુલા પહોંચવા માટે ૯૬ કિમીનું અંતર કાપશે. પહેલો બેઝ કેમ્પ ધારચુલામાં રહેશે. ત્રીજા દિવસે, યાત્રાળુઓ ધારચુલાથી ગુંજી જશે, ચોથા દિવસે ગુંજીથી વાયા નબી-કુટી થઈને નાભીઢાંગ જશે. ગણેશ પર્વતના દર્શન કર્યા બાદ નાગ પર્વત, વ્યાસ ગુફા, કાલાપાણીમાં કાલી મંદિર, નબી પર્વત અને ઓમ પર્વતના દર્શન કરશે.
પાંચમા દિવસે ગુંજીથી જ્યોલીકાંગ રવાના થશે. અહીંથી કુટ્ટી ગામ, નિક્કુ પર્વત દર્શન, પાર્વતી સરોવર, આદિ કૈલાસ, પાંડવ પર્વત, પાર્વતી મુગટના દર્શન કરશે. છઠ્ઠા દિવસે બુંદીથી ધારચુલા થઈને ચૌકોડી, પાતાળ ભુવનેશ્વર ગુફાના દર્શન કરી યાત્રા પૂર્ણ કર્યા પછી આઠમા દિવસે અલ્મોરાથી કાઠગોદામ પાછા ફરીશું.
બીજી તરફ ધારચુલાથી શરુ થયેલી યાત્રામાં પહેલા દિવસે બેઝ કેમ્પ ધારચુલા બીજા દિવસે ધારચુલાથી ગુંજી, ત્રીજા દિવસે ગુંજીથી નાભિદાંગ, ચોથા દિવસે ગુંજીથી જ્લોલિમ્બકાંગ અને બુંદી હશે. પાંચમા દિવસે શ્રદ્વાળુઓ બુંદીથી ધારચુલા પાછા ફરશે.
કૈલાસ માનસરોવર યાત્રા-૨૦૨૫ ની તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. યાત્રા અંગે બુધવારે સેના અને વહીવટીતંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી. બ્રિગેડિયર ગૌતમ પઠાનિયાએ કૈલાસ માનસરોવર યાત્રાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવી અને કહ્યું કે, ‘સેના ઊંચા હિમાલયમાં યાત્રાના સંચાલનમાં સંપૂર્ણ મદદ કરશે. અહીં, ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં થયેલી બહુ-સ્તરીય બેઠક બાદ એવી આશા કરવામાં આવી રહી છે કે, કૈલાસ માનસરોવર યાત્રા ૨૦૨૫માં ફરી શરુ થશે.