Last Updated on by Sampurna Samachar
શાહી જામા મસ્જિદને બદલે “જુમા મસ્જિદ” લખેલુ સાઇન બોર્ડ આવ્યું
નવું સાઈનબોર્ડ તેમના રેકોર્ડમાં નોંધાયેલા નામ પ્રમાણે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશમાં સંભલ (SAMBHAL) ની શાહી જામા મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે કોઈ વિવાદ કે નિવેદનને કારણે નહીં પરંતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા મોકલવામાં આવેલા નવા સાઈનબોર્ડને કારણે ચર્ચામાં આવી છે. જેમાં મસ્જિદને તેના સામાન્ય નામ શાહી જામા મસ્જિદને બદલે “જુમા મસ્જિદ” લખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સાઈન બોર્ડ ટૂંક સમયમાં મસ્જિદ પર લગાવવામાં આવશે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ તેના દસ્તાવેજોમાં જામા મસ્જિદનું નામ જુમા મસ્જિદ રાખ્યું છે. ASI દાવો કરે છે કે નવું સાઈનબોર્ડ તેમના રેકોર્ડમાં નોંધાયેલા નામ પ્રમાણે છે. આ મસ્જિદ અગાઉ પણ વિવાદમાં રહી છે, જેમાં તેને હિંદુ મંદિર હોવાનો દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા વર્ષે પણ કરવામાં આવેલા સર્વે દરમિયાન હિંસા થઈ હતી.
મસ્જિદ પરિસરમાં આવુ બોર્ડ પહેલેથી જ છે
ASI વકીલ વિષ્ણુ શર્માએ કહ્યું કે પહેલા મસ્જિદની બહાર ASI બોર્ડ લગાવવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક લોકોએ કથિત રીતે તેને હટાવીને તેના સ્થાને ‘શાહી જામા મસ્જિદ’ શબ્દનું બોર્ડ લગાવી દીધું હતું. ASI ના દસ્તાવેજોમાં નોંધાયેલા ‘જુમા મસ્જિદ’ના નામ પ્રમાણે નવું બોર્ડ જારી કરવામાં આવ્યું છે.
શર્માએ કહ્યું કે મસ્જિદ પરિસરમાં આ જ નામનું વાદળી ASI બોર્ડ પહેલેથી જ છે. સંભલની જામા મસ્જિદ વિવાદો સાથે જોડાયેલી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ એક પ્રાચીન હિન્દુ મંદિરનું સ્થળ હતું. ગયા વર્ષે ૨૪ નવેમ્બરે સર્વે દરમિયાન સંભલના કોટ ગરવી વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
વિસ્તારમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે, પોલીસે ઇન્ટરનેટ બંધ કરવું પડ્યું અને ઘણા દિવસો સુધી કર્ફ્યુ લાદવો પડ્યો હતો. નવા નામ સાથે બોર્ડને લઈને વિરોધ થઈ શકે છે, જોકે અત્યાર સુધી કોઈએ આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.