સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં મોડી રાત્રે ચોરીના ઇરાદે ઘુસેલા વ્યક્તિએ ધારદાર વસ્તુથી સૈફ અલી પર હુમલો કરી દીધો હતો. જેમાં સૈફ અલી ખાન પર ૬ વાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘાયલ અવસ્થામાં સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. લીલાવતી હોસ્પિટલમાં સવારથી જ સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી હતી. સર્જરી પછી ડોક્ટરોએ સૈફ અલી ખાનની તબિયત કેવી છે તે અંગે જાણકારી આપી હતી.
ડોક્ટર્સનું કહેવું છે કે સૈફ અલી ખાન હવે જોખમની બહાર છે અને તેની હાલત સ્થિર છે. સૈફ અલી ખાન પર ઘરમાં જ જીવલેણ હુમલો થયાની ઘટનાથી પરિવારથી લઈને બોલીવુડના કલાકારો પણ ચિંતીત છે. આ મામલે પોલીસ પણ તપાસનો ધમધમાટ ચલાવી રહી હતી. સવારે પોલીસે આ મામલે ૩ શંકાસ્પદોની ધરપકડ કરી હતી. ત્યાર પછી સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ત્યારબાદ આરોપીઓની તપાસ કરવા માટે સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે. આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ટીમનું ગઠન પણ કરવામાં આવ્યું હતું.
સેફ અલી ખાન પર થયેલા હુમલા પછી પોલીસનું સૌથી મોટું નિવેદન સામે આવી ચૂક્યું છે. પોલીસનું કહેવું છે કે હુમલો કરનાર મુખ્ય આરોપીની ઓળખ થઈ ચૂકી છે. ૧૦ ટીમ આ મામલે તપાસ કરી રહી છે. સાથે જ પોલીસે એવું પણ કહ્યું છે કે આરોપી ફાયર એસ્કેપના રસ્તે ઘરમાં ઘૂસ્યો હતો.
બીજી તરફ લીલાવતી હોસ્પિટલના ડોક્ટરો તરફથી સૈફ અલી ખાનના સ્વાસ્થ્યને લઈને અપડેટ શેર કરવામાં આવ્યું છે. લીલાવતી હોસ્પિટલે ઓફિશિયલ નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે સૈફ અલી ખાનની સર્જરી પૂરી થઈ ગઈ છે અને તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. સૈફ અલી ખાનને બે ઊંડા ઘા છે. ડોક્ટરોએ તેની કરોડરજ્જુમાંથી ૨.૫ ઇંચનો ચાકુનો ટુકડો પણ કાઢ્યો છે. હાલ સૈફ અલી ખાન જોખમથી બહાર છે.