Last Updated on by Sampurna Samachar
પેદ્દી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા પહોંચી હતી
પિંક રંગના સાદા એથનિક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને ગ્લોબલ સ્ટાર રામચરણ અભિનિત મોસ્ટ અવેટેડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘પેદ્દી’ વૈશ્વિક સ્તરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ મોટી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા અને આશીર્વાદ લેવા જાહ્નવી કપૂર આંધ્ર પ્રદેશના વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે પહોંચી હતી. જેના હાલમાં સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.

સામાન્ય રીતે સેલિબ્રિટીઝ ભગવાનના દર્શન માટે VIP માર્ગ કે ખાસ સુવિધાઓ પસંદ કરતા હોય છે, પરંતુ જાહ્નવી કપૂરે તિરુપતિ બાલાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા દર્શાવતા પદયાત્રા કરવાનો ર્નિણય કર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જાહ્નવી કોઈ પણ ચપ્પલ કે સેન્ડલ પહેર્યા વિના, તદ્દન ખુલ્લા પગે અલિપિરી માર્ગની કઠિન ૩,૫૫૦ સીડીઓ ચડતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, પરંપરાગત માનતા પૂરી કરવા માટે તે કેટલીક સીડીઓ ઘૂંટણભેર ચડતી પણ નજરે પડી હતી.
પહેલીવાર સાઉથના સુપરસ્ટાર રામચરણ સાથે સ્ક્રીન શેર કરી
મંદિરે જતા રસ્તામાં જાહ્નવી પિંક રંગના સાદા એથનિક ડ્રેસમાં જોવા મળી હતી. તેની સાથે તેની ટીમ અને કેટલાક ખાસ મિત્રો પણ હાજર હતા. હજારો સીડીઓ સતત ચડવાના કારણે જ્યારે તે અડધે રસ્તે ખૂબ જ થાકી ગઈ, ત્યારે રસ્તામાં થોડો સમય બેસીને આરામ કરતી અને વિરામ લેતી પણ જાેવા મળી હતી. આ મુશ્કેલ યાત્રા દરમિયાન તે સતત ફોન પર કોઈની સાથે વાતચીત પણ કરી રહી હતી.
જાહ્નવી કપૂર જેવા મોટા સ્ટારને સીડીઓ ચડતા જોઈને રસ્તામાં હાજર અન્ય સેંકડો શ્રદ્ધાળુઓ અને ચાહકોએ તેને તરત જ ઓળખી લીધી હતી. ઘણા લોકો તેની તરફ આકર્ષાયા હતા અને ફોટો પાડવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ જાહ્નવીએ ચાહકોના આ ઘોંઘાટ કે અટેન્શન તરફ બિલકુલ ધ્યાન આપ્યું ન હતું. તે બધું જ અવગણીને માત્ર ભગવાન વેંકટેશ્વર સ્વામીની ભક્તિ અને પોતાની યાત્રા પૂર્ણ કરવામાં લીન જોવા મળી હતી.
જાહ્નવીની આ ભક્તિ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, જાહ્નવીની દિવંગત માતા અને સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીને પણ તિરુપતિ બાલાજી પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી. જાહ્નવી તેની માતાના પગલે ચાલીને જ પોતાના જીવનના દરેક મોટા અને ખાસ પ્રસંગે બાલાજીના શરણોમાં આવે છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં પણ જાહ્નવીએ ખુલાસો કર્યો હતો કે તિરુપતિ બાલાજીના દર્શન કરવાથી તેને અદ્ભુત માનસિક શાંતિ, સુકૂન અને પોઝિટિવ એનર્જી મળે છે. ફિલ્મ ‘પેદ્દી’ એ જાહ્નવી કપૂરની કરિયરની બીજી મોટી તેલુગુ ફિલ્મ છે.
આ ફિલ્મમાં તેણે પહેલીવાર સાઉથના સુપરસ્ટાર રામચરણ સાથે સ્ક્રીન શેર કરી છે. ફિલ્મ રિલીઝ થતાં જ જાહ્નવીના અભિનયને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જાેકે, ફિલ્મમાં રામચરણ અને જાહ્નવી પર ફિલ્માવાયેલું સેન્સેશનલ ગીત હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે અને ભારે ચર્ચામાં છે. હવે જોવાનું એ રહેશે કે તિરુપતિ બાલાજીના આશીર્વાદ જાહ્નવીની કરિયરને કેટલી મોટી સફળતા અપાવે છે.