Last Updated on by Sampurna Samachar
હજુ સત્તાવાર તારીખની કોઇ જાહેરાત નહીં
ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવા જઇ રહ્યા છે. રશિયા-યૂક્રેન યુદ્ધ પછી આ તેમની પહેલી ભારત મુલાકાત હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે રશિયાની મુલાકાત દરમિયાન પુતિન (PUTIN) ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો પુતિને હવે સ્વીકાર કરી લીધો છે.
રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે પુતિનની ભારત મુલાકાત માટે તૈયારીઓ ચાલી રહી છે, જોકે તેમણે મુલાકાતની તારીખ જાહેર કરી નથી. લવરોવે કહ્યું, ‘રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય વડાપ્રધાનનું આમંત્રણ સ્વીકાર્યું છે.‘ હવે આપણો વારો છે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે. કારણ કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે. PM મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ પછીના પ્રથમ વિદેશ પ્રવાસમાં રશિયાની મુલાકાત લીધી. હવે, પુતિનની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના વધુ મજબૂત સંબંધોનો સંકેત છે.
અગાઉ ૨૦૨૧ માં આવ્યા હતા રશિયાના રાષ્ટ્રપતિ
આ મુલાકાત દરમિયાન પુતિન અને મોદી બંને યૂક્રેન યુદ્ધ, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછીના વૈશ્વિક ફેરફારો અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. ભારતે યુક્રેન યુદ્ધ પર હંમેશા તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. વડા પ્રધાન મોદીએ પુતિનને કહ્યું હતું કે ‘આ યુદ્ધનો યુગ નથી‘. ભારતે રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં પસાર થયેલા ઠરાવો પર મતદાન કરવાનું પણ ટાળ્યું છે અને પુતિનની જાહેર ટીકા કરવાનું ટાળ્યું છે.
PM મોદીએ ૨૦૨૪ માં એક એવું પગલું ભર્યું જે બહુ ઓછા નેતાઓએ કર્યું. તેમણે રશિયા અને યૂક્રેન બંનેની મુલાકાત લીધી અને યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંન્સ્કીને પણ મળ્યા. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી ઓક્ટોબરમાં રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટમાં પણ ગયા હતા. પુતિનની આ આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે અને રશિયા-યૂક્રેન યુદ્ધની અસર પર નવી વાટાઘાટોનો માર્ગ પણ ખોલી શકે છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અગાઉ ૦૬ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે, તેઓ માત્ર ૪ કલાક માટે ભારત આવ્યા હતા અને આ સમય દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ૨૮ કરારો પર હસ્તાક્ષર થયા હતા. આમાં લશ્કરી અને તકનીકી કરારોનો પણ સમાવેશ થતો હતો.