Last Updated on by Sampurna Samachar
VHP ના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો
વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના નિકોલમાં રામનવમીના પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રદર્શન કરાયું હતું. જ્યાં પોલીસે યાત્રા રોકતા VHP કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. શુકન ચાર રસ્તા નજીક ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે યાત્રા રોકીને લવજેહાદનો ટેબ્લો હટાવતા વિવાદ વકર્યો હતો.
નિકોલમાં રામ નવમી યાત્રા દરમિયાન વિવાદ થયો હતો. પોલીસે શુકન ચાર રસ્તા ખાતે યાત્રાને અટકાવી હતી. યાત્રા અટકાવતાં જ VHP એ વિરોધ કર્યો હતો. તમામ કાર્યકરોએ યાત્રા અટકાવી, રસ્તા પર બેસીને રસ્તો બ્લોક કર્યો હતો. પોલીસે લવ જેહાદનો ટેબલ રાખવાની ના પાડી, તેના પર વિવાદ વકર્યો હતો.
કાર્યકરોએ ટાયરો પણ સળગાવ્યા
આ પ્રદર્શન વિવિધ સંદેશાઓ સાથે કરવામાં આવી હતી, જેમાંથી એક લવ જેહાદ પણ એક મુદ્દો હતો. વિહીપ દ્વારા રજૂ કરાયેલા લવ જેહાદનો ટેબ્લો વાતાવરણમાં તંગદીલી સર્જે તેવું હતું. જેથી પોલીસે ટેબ્લો હટાવી દીધો હતો. ત્યારે ગુસ્સે થયેલા વિહીપના કાર્યકર્તાઓએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી ટેબ્લો પરત નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે. જેથી પોલીસે ટેબ્લો ન આપવાનું જણાવ્યું હતું.
વિહીપની યાત્રા સવારે ૯:૩૦ વાગ્યે નીકળી, ૧૦:૩૦ સુધીમાં શુકન ચાર રસ્તા પર પહોંચી, ત્યાર સુધી ચક્કાજામ ચાલુ રહ્યો હતો. વિહીપના કાર્યકર્તાઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા. પોલીસ અને કાર્યકરો વચ્ચે વાટાઘાટો ચાલી હતી. વિરોધ દરમિયાન કાર્યકરોએ ટાયરો પણ સળગાવ્યા હતા. નિકોલના શુકન ચાર રસ્તા ખાતે VHP નો વિરોધ ચાલુ રાખ્યો હતો.
ટ્રાફિક જામના કારણે નિકોલ વિસ્તારમાં સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન થયા હતા. ૧૦૦ થી ૫૦૦ મીટરનું અંતર કાપવા માટે વાહનચાલકોએ ૨-૩ કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું. ટુ વ્હીલર, ફોર વ્હીલર અને એમટીએસ બસ સહિતના વાહનોના ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વાહનોના ચાલકોએ પોલીસ અને VHP બંનેને નિવેદનો આપ્યા હતા કે, બંનેની માંગ પોતાની જગ્યાએ યોગ્ય છે.