Last Updated on by Sampurna Samachar
ભારતના કેટલાક રાજ્યો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે
૧૬ રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂને હવે ઝડપ પકડી લીધી હોય તેમ જણાયું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આ ચોમાસાએ ૪ જૂનના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દીધી હતી અને તેના માત્ર ૪૮ કલાકની અંદર જ તે દેશના સાત રાજ્યો સુધી પહોંચી ગયું. વાત કરીએ તો હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં ચોમાસાના વાદળો છવાઈ ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. નોંધનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં ત્રણ દિવસ મોડું પહોંચ્યું છે, સામાન્ય રીતે તે ૧ જૂને કેરળ પહોંચતું હોય છે. આગામી ૨ થી ૫ દિવસમાં મોનસૂન મહારાષ્ટ્રના બાકીના ભાગો, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તરમાં આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે.
૮ થી ૧૨ જૂન દરમિયાન હીટવેવની આશંકા
ઉલ્લેખનીય છે કે દિલ્હીના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ, બિહારના પટના, ગયા, જમશેદપુર, વૈશાલી, સારણ, બક્સર અને રોહતાસ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એક તરફ જ્યાં દેશના અડધા ભાગમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યો હજુ પણ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. હરિયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઓડિશાના મોટા ભાગોમાં ૮ થી ૧૨ જૂન દરમિયાન હીટવેવની આશંકા છે. પશ્ચિમ યુપીમાં ૧૨ જૂન સુધી લૂનું એલર્ટ છે.