Last Updated on by Sampurna Samachar
પ્રદર્શનકારીઓએ પશ્વિમ બંગાળમાં કર્યુ હિંસક વિરોધ પ્રદર્શન
ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે આક્રમક અથડામણ થઈ હતી. જંગીપુર વિસ્તારમાં વક્ફ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આગચાંપીની ઘટનાઓ બની હતી.
જંગીપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું. જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની હતી.
હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ
પોલીસે પરવાનગી વિના મોટી સંખ્યામાં ટોળું ભેગું થતાં તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં અથડામણ શરૂ થઈ હતી. જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોને આગ ચાંપી હતી. ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
અથડામણમાં અનેક ઘાયલ થવાની આશંકા આ હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. જેમાં અમુક પોલીસકર્મી પણ સામેલ છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ વધ્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સરકારે પણ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમજ અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે. બીજી તરફ પ્રદર્શનકારોએ સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી વક્ફ સંશોધન કાયદો પાછો લેવામાં આવશે નહીં, ત્યાં સુધી અમે વિરોધ કરતાં રહીશું.