Last Updated on by Sampurna Samachar
મામલો ઉચ્ચ શિક્ષણ વિભાગના નજરે આવ્યો
સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં થયો હોબાળો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશમાંથી અવાર નવાર વિચિત્ર કિસ્સા થતા હોય છે. જેને જોઈને લોકો ચોંકી જાય છે. તાજેતરમાં નર્મદાપુરમ જિલ્લાના પીપરિયા સ્થિત શહીદ ભગત સિંહ સરકારી પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજનો છે. અહીં ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પ્રોફેસર દ્વારા નહીં પરંતુ પટાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું!
ચોંકાવનારી વાત એ છે કે ઉત્તરવહીઓ તપાસવાની જવાબદારી માત્ર ૫,૦૦૦ માં પટાવાળાને સોંપવામાં આવી હતી. જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું હતું. જ્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે હોબાળો મચી ગયો હતો. ઉચ્ચ શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી, તપાસના આદેશ આપ્યા અને જવાબદાર પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા હતા.
આ મામલે કોઇને છોડવામાં આવશે નહીં
આ મામલો જાન્યુઆરી ૨૦૨૫નો છે, જ્યારે સરકારી શહીદ ભગત સિંહ પીજી કોલેજના ચોથા વર્ગના કર્મચારી (પટાવાળા) પન્નાલાલ પઠારિયાનો પરીક્ષાની નકલો તપાસતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ વિદ્યાર્થીઓએ સ્થાનિક ધારાસભ્ય ઠાકુરદાસ નાગવંશીને આ અંગે ફરિયાદ કરી હતી અને વીડિયો પણ સબમિટ કર્યો હતો. આ પછી મામલો ઉચ્ચ શિક્ષણ વિભાગના ધ્યાન પર આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, પટાવાળા પન્નાલાલ પઠારિયાએ ગેસ્ટ ફેકલ્ટી ખુશ્બુ પાગારેને આપવામાં આવેલા જવાબ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યું હતું. પન્ના લાલે લેખિતમાં કબૂલ્યું હતું કે તેણે નકલો તપાસવા માટે ૫૦૦૦ રૂપિયા લીધા હતા.
દરમિયાન, ખુશ્બુ પગારેએ તેના બચાવમાં જણાવ્યું હતું કે તેની તબિયત ખરાબ હતી, જેના કારણે તેણે કોલેજના બુકલિફ્ટર રાકેશ મેહરને રૂ. ૭૦૦૦ ચૂકવ્યા હતા અને તેની નકલો અન્ય કોઈ દ્વારા મૂલ્યાંકન કરાવવા કહ્યું હતું. બીજી તરફ, રાકેશે ૫૦૦૦ રૂપિયામાં પટાવાળા પન્ના લાલને નકલો તપાસવાનું કામ સોંપ્યું.
આ સમગ્ર પ્રકરણમાં જવાબદારી નક્કી કરતાં કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ રાકેશ કુમાર વર્મા અને પ્રોફેસર રામગુલામ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિભાગનું કહેવું છે કે વહીવટી વડા અને વરિષ્ઠ પ્રોફેસર હોવાના કારણે તેમની દેખરેખમાં આવી ગંભીર બેદરકારી અને અનિયમિતતા ન હતી થવી જોઈતી.
આ સાથે નકલો તપાસનાર પટાવાળા પન્નાલાલ પઢારિયા અને ગેસ્ટ સ્કોલર ખુશ્બુ પાગારે સામે વિભાગીય કાર્યવાહી કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ બેદરકારીમાં સંડોવાયેલા કોઈપણને બક્ષવામાં આવશે નહીં અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવશે.