Last Updated on by Sampurna Samachar
પોલીસે સ્કૂલના આચાર્ય , સહાયક શિક્ષક સહિત સાત લોકોને ઝડપ્યા
હત્યા પાછળ જમીન વિવાદ પણ એક મુખ્ય કારણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૮ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શિક્ષક રામાશ્રય યાદવ પોતાની મહિલા સહકર્મી સાથે બુલેટથી સ્કૂલે જઈ રહ્યા હતા. ત્યારે ઘાત લગાવીને બેઠેલા બદમાશોએ તેમને ગોળી મારી દીધી. જેનાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું. આ હત્યાકાંડ બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ હતો. લોકોએ પ્રદર્શન કરી આરોપીઓની ધરપકડની માંગ કરી હતી.
બિરૌલ SDPO મનીષ ચંદ્રે જાણકારી આપી છે કે આ મામલામાં પોલીસે સ્કૂલના આચાર્ય રામચંદ્ર પાસવાન, સહાયક શિક્ષક શંભુ ચૌધરી સહિત સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી બે દેશી પિસ્તોલ, ચાર ગોળીઓ અને છ મોબાઈલ જપ્ત કર્યા છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ હત્યાના કાવતરાં માટે પાંચ લાખ રૂપિયાની સોપારી આપી હતી. તેમાં ૫૦ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા, જ્યારે બાકીની રકમ કામ પતી ગયા બાદ આપવાનું નક્કી થયું હતું.
ટૂંક સમયમાં આ ષડયંત્રનો પર્દાફાશ થશે
તપાસમાં જાણવા મળ્યું કે, શિક્ષક રામાશ્રય યાદવને એક શિક્ષિકા સાથે પ્રેમ સંબંધ હતો, જેનાથી સ્કૂલના આચાર્ય નારાજ હતા. કહેવાય છે કે આચાર્ય પણ આ શિક્ષિકાને પ્રેમ કરતા હતા. આ ઉપરાંત હત્યા પાછળ જમીન વિવાદ પણ એક મુખ્ય કારણ હતું. આરોપી રંજન યાદવ અને મૃતક શિક્ષક વચ્ચે ૨૦૨૨ થી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યાનું કાવતરું રંજન યાદવે રચ્યું હતું. તેણે હત્યાની સોપારી હીરા યાદવને આપી હતી, જે શિક્ષકની દિનચર્યા પર નજર રાખતો હતો. ઘટનાને અંજામ આપવા માટે મુકેશ અને રંજનને જવાબદારી સોંપી હતી. ધરપકડ આરોપીઓમાં ત્રણ સહર્ષા, એક સુપૌલ અને ત્રણ દરભંગા જિલ્લાના રહેવાસી છે.
પોલીસ હવે આ મામલામાં તપાસ કરી રહી છે. આરોપીઓ સાથે પૂછપરછ થઈ રહી છે. જેથી ઘટના સાથે જોડાયેલા લોકોની ભૂમિકા સ્પષ્ટ થઈ જશે. પોલીસે દાવો કર્યો છે કે, ટૂંક સમયમાં આ ષડયંત્રનો પર્દાફાશ થશે.