Last Updated on by Sampurna Samachar
વિધાનસભાનો ઘેરાવ કરવા કોંગ્રેસ કાર્યકર્તાઓનો જુસ્સો
“તંત્ર ગોળી મારશે તો પણ અમે પીછેહઠ નહીં કરીએ”
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ભુવનેશ્વર રામ મંદિર ચોકથી કોંગ્રેસની પદયાત્રા થઇ હતી. જે આ પદયાત્રા દરમિયાન હવે હોબાળો થયો હતો. જ્યાં પોલીસે કોંગ્રેસ નેતાઓને દોડાવી-દોડાવીને મારવાનું શરુ કરી દીધું હતું. વળી, ટોળા તરફથી પણ પથ્થરમારો કરવામાં આવતા પોલીસે પાણીના મારા સાથે ટીયર ગેસ પણ છોડ્યો હતો.
વાત કરીએ તો મહાત્મા ગાંધી માર્ગ જાણે કુરુક્ષેત્રનું મેદાન બન્યુ હતું. લોકો એકબીજા પર ખુરશી- દંડા ફેંક્યા હતા. પોલીસ સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. પાણી સ્પ્રે અને ટીયર ગેસ છતાં કોંગ્રેસ કાર્યકર્તા પીછેહઠ કરવા તૈયાર નથી.
મહિલાઓની સુરક્ષા માટે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે
કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, તંત્ર ગોળી મારશે તો પણ અમે પીછેહઠ નહીં કરીએ. આ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસ (CONGRESS) કમિટીના અધ્યક્ષ ભક્ત ચરણદાસ, કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસના તમામ ધારાસભ્ય તેમજ પ્રદેશમાંથી આવેલા તમામ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા સામેલ થયા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મહિલાઓ સામે ગુનાની તપાસ માટે સંસદ સમિતિ બનાવવાની માંગને લઈને વિધાનસભા પાસે પ્રદર્શન કરશે.
ભક્ત ચરણ દાસે તંત્રને વિશ્વાસ અપાવ્યો છે કે, પાર્ટી કાર્યકર્તા પરિસરમાં પ્રવેશ નહીં કરે. જોકે, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને કથિત રૂપે પાર્ટીના અમુક નેતાઓની નિવારક અટકાયત કરવામાં આવી છે. દાસે એક વીડિયો મેસેજમાં કહ્યું કે, વિભિન્ન જિલ્લામાંથી સૂચના મળી રહી છે કે, કોંગ્રેસ કાર્યકર્તાઓને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભુવનેશ્વર પહોંચવાથી રોકવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. તંત્ર પાર્ટી કાર્યકર્તાઓની ગેરકાયદે અટકાયત ન કરે, આવું કરવાથી તણાવ પેદા થઈ શકે છે અને કોંગ્રેસ કોઈપણ પ્રકારે આવી સ્થિતિ માટે જવાબદાર નહીં રહે.
ઓડિશા વિધાનસભાની કાર્યવાહી કોંગ્રેસના ધારાસભ્યો વિના જ શરુ થઈ ગઈ હતી. જોકે, ગૃહની કાર્યવાહી શરુ થાય તે પહેલાં બીજુ જનતા દળના ધારાસભ્યોએ ગૃહની અંદર ગંગાજળનો છંટકાવ કર્યો હતો. BJD ના ધારાસભ્યોએ કહ્યું કે, પહેલીવાર ગૃહની અંદર પોલીસના આવવાથી ગૃહ અપવિત્ર થઈ ગયું છે. ગૃહની ગરિમા નષ્ટ થઈ છે. એવામાં આજે અમે ગૃહની અંદર ગંગાજળનો છંટકાવ કર્યો છે. વળી, બીજી બાજુ કોંગ્રેસના વિધાનસભા ઘેરાવને લઈને રાજધાનીને પોલીસ છાવણીમાં બદલી દેવામાં આવી છે.