Last Updated on by Sampurna Samachar
રીલના ચક્કરમાં લોકોની ભીડ થતાં પોલીસ આવી પહોંચી
આ વ્યક્તિની પોલીસે પહેલા પણ કરી હતી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉમાં નકલી સલમાન ખાન (SALMAN KHAN) બનીને રીલ બનાવનારા શખ્સ પર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે. ધરપકડ થયેલા શખ્સની ઓળખ આઝમ અલી અંસારી તરીકે થઈ છે. અહીં ઉલ્લેખનિય છે કે, નકલી સલમાન ખાન બનીને રીલ બનાવવાને લઈને આઝમ અંસારીને પોલીસે પહેલા પણ ધરપકડ કરી હતી. આઝમ સઆદતગંજ વિસ્તારમાં રહે છે.
હકીકતમાં જોઈએ તો, લખનઉમાં નકલી સલમાન ખાન બનીને રીલ બનાવનારો એક શખ્સની મુશ્કેલી વધી ગઈ છે. લખનઉના ઘંટાઘર વિસ્તારમાં એક શખ્સ સલમાન ખાનની એક્ટીંગ કરી રહ્યો હતો અને શર્ટ કાઢી લાયસન્સવાળી રિવોલ્વર લઈને રીલ બનાવી રહ્યો હતો. આ નકલી સલમાન ખાનના ચક્કરમાં આ વિસ્તારમાં ભીડ જામ થઈ ગઈ હતી. બાદમાં પોલીસ આવી અને નકલી સલમાન ખાનને ઉઠાવીને લઈ ગઈ.
પોલીસે સમજાવવાની કોશિશ કરી પણ ન સમજ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાતે ક્લોક ટાવર પાસે આ નકલી સલમાન ખાનના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. નકલી સલમાન ખાન લોકો સાથે ઝઘડો પણ કરી રહ્યો હતો. ઘટનાસ્થળ પર પોલીસે આ નકલી સલમાન ખાનના વહેમમાં ફરતા શખ્સને સમજાવવાની કોશિશ કરી, જ્યારે તે માન્યો નહીં તો શાંતિ ભંગની આશંકામાં તેની ધરપકડ કરી અને તેની રિવોલ્વર પણ જપ્ત કરી લીધી હતી. નકલી સલમાન ખાનનું નામ આઝમ અલી અંસારી છે અને તે અસાદતગંજનો રહેવાસી છે.