Last Updated on by Sampurna Samachar
વૈષ્ણોદેવી જનારા ભક્તો ઓછા સમયમાં ઝડપથી કરશે મુસાફરી
વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પરથી થશે પસાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રેલ્વેએ દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે ઘણી નવી ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંબંધમાં કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે, જે અહીં પ્રવાસનને પણ પ્રોત્સાહન આપશે.
શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે જનારાઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં શ્રીનગર માટે PM નરેન્દ્ર મોદી ૧૯ એપ્રિલે કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. આ સાથે દેશમાં કોઈ પણ વ્યક્તિ કન્યાકુમારી થી કાશ્મીર સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન થશે
હાલમાં કટરા થી શ્રીનગર જવા માટે લગભગ ૬ થી ૭ કલાકનો સમય લાગે છે, પરંતુ નવી વંદે ભારત ટ્રેન શરૂ થતાં આ મુસાફરી માત્ર ૩ કલાકમાં પૂર્ણ કરી શકાશે. કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન ૧૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ ટ્રેન કટરા અને શ્રીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધારશે, જે વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ, ચિનાબ રેલ બ્રિજ સહિત અનેક સ્થળોએથી પસાર થશે.
અહેવાલો અનુસાર દિલ્હીથી ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ નવી દિલ્હીથી શ્રીનગરની ટિકિટ લેવી પડશે, પરંતુ કટરા પહોંચ્યા પછી મુસાફરોએ બીજી ટ્રેન લેવી પડશે. વંદે ભારત એક્સપ્રેસ કટરાથી ઉપડશે અને ઉધમપુર, રામબન, બનિહાલ અને અનંતનાગ થઈને શ્રીનગર પહોંચશે. આ ટ્રેન સવારે કટરાથી ઉપડશે અને બપોર સુધીમાં શ્રીનગર પહોંચશે. પરત ફરતી વખતે તે સાંજે શ્રીનગરથી રવાના થશે અને રાત્રે કટરા પહોંચશે. જોકે, ચોક્કસ સમયપત્રક હજુ જાહેર કરવામાં આવ્યું નથી. વંદે ભારત એક્સપ્રેસનું ભાડું અંતર અને કોચના આધારે નક્કી કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કટરા થી શ્રીનગર સુધી ચેર કારનું ભાડું ૮૦૦ રૂપિયાથી ૧૦૦૦ રૂપિયાની વચ્ચે નક્કી કરી શકાય છે. જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું રૂ. ૧,૬૦૦ થી રૂ. ૨,૦૦૦ની વચ્ચે હોઇ શકે છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. વંદે ભારત દ્વારા કટરાથી શ્રીનગરની યાત્રા માત્ર ૩ કલાકમાં પૂર્ણ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે કાશ્મીરને રેલ દ્વારા જોડવાનો આ પ્રોજેક્ટ ૧૯૯૭માં શરૂ થયો હતો, પરંતુ તેના કામમાં ઘણી સમસ્યાઓ આવી હતી, જેના કારણે નિર્માણમાં સતત વિલંબ થતો હતો.