Last Updated on by Sampurna Samachar
હાલ આ મામલો કેન્દ્રીય કાયદા મંત્રાલય પાસે પેન્ડિંગ
લોકસભા ચૂંટણીમાં ૧ લાખ NRI મતદાર તરીકે રજિસ્ટર્ડ હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની બહાર રહેતાં ભારતીયો માટે મતદાનના અધિકારના પ્રસ્તાવ પર એક ઉચ્ચ સ્તરીય સંસદીય સમિતિએ સમર્થન દર્શાવ્યું છે. સમિતિએ તેના માટે ઈલેક્ટ્રોનિક બેલેટ તથા પ્રોક્સી વોટિંગ જેવા વિકલ્પોની ભલામણ કરી છે. આ પ્રસ્તાવનો ઉદ્દેશ દેશની બહાર રહેતાં ભારતીય નાગરિકોને લોકતંત્રની પ્રક્રિયાનો ભાગ બનાવવાનો છે. હાલ આ પ્રસ્તાવ કાયદા મંત્રાલય પાસે પેન્ડિંગ છે.
કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરના નેતૃત્વ હેઠળની વિદેશી બાબતો માટેની સંસદીય સમિતિએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં NRI ની વ્યાખ્યાને યોગ્ય રીતે રજૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત (BHARAT) સરકારના જુદા-જુદા કાયદામાં તેનો અર્થ જુદી-જુદી રીતે દર્શાવવામાં આવ્યો છે.
મોટી સંખ્યામાં NRI ભારતની નાગરિકતા છોડી ચૂક્યા
સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં રજૂઆત કરી છે કે, વર્તમાન નિયમોને આધિન NRI નું નામ મતદાન યાદીમાં હોવા છતાં તેણે મત આપવા માટે શારીરિક રૂપે ભારતમાં આવવું પડે છે. સમિતિએ તેના પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, મોટી સંખ્યામાં NRI ભારતની નાગરિકતા છોડી ચૂક્યા છે, અથવા તો ડબલ સિટિઝનશીપ ધરાવે છે. જેના આધાર પર તેમની ચૂંટણીમાં ભાગીદારી નક્કી કરવી જોઈએ. જેમાં તેઓ ઈ-બેલેટ તથા પ્રોક્સી વોટિંગની મદદથી વિદેશમાં બેઠા-બેઠા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકે.
ભારતની બહાર રહેતાં NRI ના વોટિંગનો મામલો હાલ કેન્દ્રીય કાયદા મંત્રાલય પાસે પેન્ડિંગ છે. પરંતુ વિદેશી બાબતોની સંસદીય સમિતિએ વિદેશ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે, તે કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચ સાથે મળી આ મુદ્દે સક્રિયપણે કામગીરી કરે. સમિતિએ ઈલેક્ટ્રોનિક વોટિંગ અને પ્રોક્સી વોટિંગ જેવી સંભાવનાઓ પર વિચાર કરવા પણ કહ્યું છે. જોકે, સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, તેના માટે કલમ ૧૯૫૦ હેઠળ બનાવવામાં આવતાં જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં સંશોધન કરતાં રાજકીય પક્ષો સાથે વિચારણા કરવી જોઈએ.
વર્ષ ૨૦૧૦ના જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૯૫૦ (૨૦) (એ)માં સંશોધન કરતાં NRI ને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં માત્ર ૨૯૫૮ NRI એ ભારતમાં આવી મતદાન કર્યુ હતું. જ્યારે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧ લાખ NRI મતદાર તરીકે રજિસ્ટર્ડ હતાં. શારીરિક રૂપે હાજરીના કારણે મતદાન પ્રમાણ ઓછું હોવાની વાતને સમર્થન આપતાં સંસદીય સમિતિએ ઈ-બેલેટ અને પ્રોક્સી વોટિંગને પ્રાધાન્ય આપ્યું છે.