Last Updated on by Sampurna Samachar
રાજસ્થાનના ધારાસભ્યનુ વિવાદિત નિવેદનને લઇ રાજકારણમાં ગરમાવો
તમે મને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મારા વકીલ તરીકે કામ કરો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાન (RAJSTHAN) ના જયપુરની હવામહલ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. ભાજપ લીગલ સેલના હોળી મિલન કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, દિવસમાં ૫ વખત લાઉડસ્પીકર ખૂબ જ જોરથી વાગે છે. જેના કારણે ઘણાં લોકોને માઈગ્રેન અને માથાના દુ:ખાવાની સમસ્યા રહે છે.
ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ જણાવ્યું હતું કે, એક ફરિયાદ છે જે ફક્ત તમે લોકો જ ઉકેલી શકો છો. ઘણાં લોકોને માઈગ્રેન અને માથાના દુ:ખાવાની સમસ્યા રહે છે. દિવસમાં ૫ વખત લાઉડસ્પીકર ખૂબ જ જોરથી વાગે છે. હું તમને મારા વકીલ તરીકે નિયુક્ત કરું છું અને તમે મને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મારા વકીલ તરીકે કામ કરો. કૃપા કરીને લોકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં મને મદદ કરો જેથી આપણે આ ૫ વખત ચાલતા લાઉડસ્પીકરને ઠીક કરી શકીએ જે માથાનો દુ:ખાવો બની રહ્યો છે.
સતત વિવાદિત નિવેદનો સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે, આ વખતે જ્યારે હોળીના તહેવાર પર નમાજ અદા કરવામાં આવી રહી હતી, ત્યારે ભારે વિવાદ સર્જાયો હતો. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ હતી. જ્યારે નેતાઓની ભાષા કઠોર બની, ત્યારે મુસ્લિમોએ પણ વિરોધ કર્યો. ઉત્તર પ્રદેશમાં આ વિવાદ ત્યારે શરૂ થયો. જ્યારે સંભલના સીઓ અનુજ ચૌધરીએ કહ્યું કે, જે લોકો રંગોથી દૂર રહે છે તેમણે ઘરે જ નમાઝ અદા કરવી જોઈએ. ત્યારબાદ સતત નિવેદનો આવતા રહ્યા.