Last Updated on by Sampurna Samachar
પ્રિયંકા ગાંધીએ સંસદમાં પહલગામ હુમલા અંગે સુરક્ષાના કર્યા સવાલો
ઘટના દરમિયાન એક પણ સુરક્ષા કર્મી કેમ દેખાયો નહીં ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પોતાનું ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ‘સૌથી પહેલાં હું તે સૈનિકો, જવાનોને સલામ કરવા માંગુ છું જેઓ દુર્ગમ વિસ્તારોમાં આપણી સરહદોનું રક્ષણ કરે છે. તેમણે ૧૯૪૮ થી અત્યાર સુધી આપણા દેશની અખંડિતતાનું રક્ષણ કરવામાં ઘણું યોગદાન આપ્યું છે.

આપણી સ્વતંત્રતા અહિંસાના આંદોલનથી પ્રાપ્ત થઈ હતી, પરંતુ આપણી સેનાએ તેને જાળવવામાં ઘણું યોગદાન આપ્યું છે. હું ગૃહમાં બધાનું ભાષણ સાંભળી રહી હતી. સંરક્ષણ મંત્રીનું ભાષણ સાંભળતી વખતે, મને એક વાત ચિંતાજનક લાગી કે દરેક વસ્તુની ચર્ચા કરવામાં આવી હતી, ઈતિહાસ પણ શીખવવામાં આવ્યો હતો, પરંતુ એક વાત છોડી દેવામાં આવી હતી કે, ૨૨ એપ્રિલ ૨૦૨૫ના દિવસે જ્યારે ૨૬ નાગરિકોને તેમના પરિવારની સામે મારી નાખવામાં આવ્યા હતા, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, આ હુમલો થયો જ કેવી રીતે?
આ સરકાર તે પરિવારોને સુરક્ષા આપી શકી નહીં
આ વિશે વધુ વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘બૈસરન ખીણમાં આતંકવાદીઓ શું કરી રહ્યા હતા ? છેલ્લાં કેટલાક સમયથી તમારી સરકાર પ્રચાર કરી રહી હતી કે કાશ્મીરમાં શાંતિ છે. વડાપ્રધાને પણ કહ્યું હતું કે, ત્યાં શાંતિનો માહોલ છે. તેથી આ જ કારણોસર કાનપુરના એક યુવક શુભમ દ્વિવેદીએ કાશ્મીર જવાનું નક્કી કર્યું. તેના લગ્ન છ મહિના પહેલા થયા હતા.
૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ બૈસરન ખીણમાં વાતાવરણ સારું હતું. દરરોજ હજારો લોકો આવતા હતા, તેથી તે દિવસે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. શુભમ તેની પત્ની સાથે એક સ્ટોલ પર ઊભો હતો. પછી જંગલમાંથી ચાર આતંકવાદીઓ બહાર આવ્યા અને તેની પત્નીની સામે જ શુભમની હત્યા કરી દેવાઈ. ત્યારબાદ, તેમણે એક કલાક સુધી એક પછી એક ૨૬ લોકોને મારી નાખ્યા. જ્યારે શુભમની પત્ની ગભરાઈને ત્યાંથી ભાગી ગઈ, ત્યારે ખબર પડી કે ઘણા લોકો ભાગી રહ્યા હતા. પરંતુ, આ સમગ્ર ઘટના દરમિયાન તેમને એક પણ સુરક્ષા કર્મચારી દેખાયો નહીં. શું સરકારને ખબર નહોતી કે હજારો લોકો ત્યાં જાય છે ? લોકો સરકાર પર વિશ્વાસ કરીને ત્યાં ગયા અને સરકારે તેમને ભગવાન ભરોસે છોડી દીધા. આ જવાબદારી કોની હતી?‘
પ્રિયંકા ગાંધીએ પહલગામ આતંકી હુમલાના જવાબદાર TRF ને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘TRF એ અનેક આતંકવાદી હુમલા કર્યા. ૨૦૨૦ થી આંતકી હુમલા કરી રહેલા આ સંગઠનને ૨૦૨૩માં આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું. આ સંગઠન આટલા મોટા હુમલા કરતું રહ્યું અને સરકારને ખબર પણ ન પડી? આપણી એજન્સીની નિષ્ફળતાની જવાબદારી કોણ લેશે? શું કોઇએ રાજીનામું આપ્યું? ગુપ્ત વિભાગ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, શું ગૃહ મંત્રીએ તેની જવાબદારી લીધી? તમે ઈતિહાસની વાત કરો છો, હું વર્તમાનની વાત કરીશ. ૧૧ વર્ષથી તો તમારી સરકાર છે કોઈ જવાબદારી કેમ નથી લેતું?
વધુમાં તેમણે કહ્યું કે, ‘ મુંબઈ હુમલાની વાત કરવામાં આવી હતી. મુંબઈ હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને તે જ સમયે ઠાર કરી દેવામાં આવ્યા હતા. ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું હતું. ત્યારે અમારી જવાબદારી જનતા પ્રત્યે હતી. અત્યારે દેશ જવાબ ઈચ્છે છે કે, ૨૨ એપ્રિલના દિવસે શું થયું હતું? સરકાર પોતે જ પોતાની પીઠ થપથપાવે છે. સંસદમાં ખોટું બોલે છે. પરંતુ, અમે હુમલા સમયે એકજૂટ થયા હતા.
દેશ પર હુમલો થયો તો અમે બધાં જ તમને સમર્થન આપી રહ્યા હતા. સેના પર અમને ગર્વ છે કે, સેના વીરતાથી લડી પરંતુ, ઓપરેશનનો શ્રેય વડાપ્રધાન મોદી લઈ રહ્યા છે. પરંતુ, ફક્ત શ્રેય લેવાથી કંઈ નહીં થાય. જવાબદારી પણ લેવી જોઈએ. દેશના ઈતિહાસમાં પહેલીવાર યુદ્ધ થતા-થતા રોકાઇ ગયું. યુદ્ધ રોકાયું પરંતુ, તેની જાહેરાત પણ આપણી સરકારે કે સેનાએ નહીં પરંતુ અમેરિકન પ્રમુખે કરી! આ સરકારની ગેરજવાબદારી છે. ગૃહમંત્રીએ નહેરૂ, ઈંદિરા ગાધીએ શું કર્યું? મારી માતાના આંસુ સુધી પહોંચી ગયા પરંતુ, યુદ્ધ કેમ રોકાયું તેનો જવાબ ન આપ્યો.‘
ભારતની વ્યૂહનીતિ પર વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ આપણી વ્યૂહનીતિની નિષ્ફળતા છે. કારણ કે, સંઘર્ષ વિરામના થોડા જ સમયમાં પાકિસ્તાનના જનરલ અમેરિકન ટ્રમ્પ સાથે લંચ કરી રહ્યા હતા. તેની જવાબદારી કોણ લેશે? જો ઓપરેશન સિંદૂરમાં જહાજોનું નુકસાન નથી થયું તો ગૃહમાં જણાવવામાં શું જાય છે? આ સરકાર સવાલોથી બચે છે. તેમના હ્રદયમાં જનતાનું કોઈ સ્થાન નથી. બધું રાજકારણ, પીઆર અને પ્રચાર છે.
સુરક્ષા વિશે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અહીં ગૃહમાં બેઠેલા લગભગ બધાની પાસે સુરક્ષા છે. આપણે જ્યાં પણ જઇએ છીએ આપણને સુરક્ષા મળે છે. પરંતુ, એ દિવસે પહલગામમાં એ ૨૬ પરિવાર વેરવિખેર થઈ ગયા. ૨૬ દીકરા/ પતિ/ પિતા ગુજરી ગયા. તેમાંથી ૨૫ ભારતીય હતા. જેટલા પણ લોકો બૈસરન ખીણમાં હતા તેમની પાસે સુરક્ષા ન હતી, તમે ગમે તેટલા ઓપરેશન કરી લો, પરંતુ એ હકીકત નહીં છુપાવી શકો કે, ત્યારે આ સરકાર તે પરિવારોને સુરક્ષા આપી શકી નહીં.