Last Updated on by Sampurna Samachar
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા પાકિસ્તાનની હાલત કફોડી
આ સંકટના પગલે પાકિસ્તાન એરલાઇન્સ માટે ઇંધણની અછતની ચેતવણી જારી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન હાલમાં અત્યંત ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો સ્ટોક માત્ર ૫થી ૭ દિવસ ચાલે તેટલો જ બચ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશ પાસે પેટ્રોલનો એક દિવસનો પણ રિઝર્વ સ્ટોક નથી, જ્યારે ડીઝલનો જથ્થો ૨૬-૨૮ દિવસ અને LPG સ્ટોક માત્ર ૧૫ દિવસ ચાલે તેટલો જ છે.

આ સંકટના પગલે પાકિસ્તાન એરલાઇન્સ માટે ઇંધણની અછતની ચેતવણી જારી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.આ સંકટનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ છે. ઈરાને વ્યાપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ લગભગ બંધ કરી દીધો છે, જ્યાંથી દુનિયાનું ૨૦% ક્રૂડ ઓઇલ પસાર થાય છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને
પાકિસ્તાન પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મુખ્યત્વે સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશો પર ર્નિભર હોવાથી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. વધતા જોખમને કારણે ઓઇલ લાવતા જહાજોના વીમાના દરો પણ ૩૦,૦૦૦ ડૉલરથી વધીને ૪,૦૦,૦૦૦ ડૉલર સુધી પહોંચી ગયા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે.
આ કપરી પરિસ્થિતિમાં ઇંધણ બચાવવા માટે શાહબાઝ શરીફ સરકાર દેશમાં ‘કોવિડ કાળ‘ જેવા કડક નિયમો લાગુ કરવા પર વિચાર કરી રહી છે. પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે શાળાઓ અને કોલેજો બંધ કરી શિક્ષણ ફરી ઓનલાઇન મોડ પર લઈ જવાની તેમજ સરકારી અને કોર્પોરેટ ઓફિસોમાં ‘વર્ક ફ્રોમ હોમ‘ આપવાની યોજના છે. આ ઉર્જા સંકટને કારણે મોંઘવારીમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જે પાકિસ્તાનની પહેલેથી જ ખખડધજ થયેલી અર્થવ્યવસ્થા માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.