Last Updated on by Sampurna Samachar
ACP આર. ડી. ઓઝાએ ડિમોલેશન અંગે આપી માહિતી
ગેરકાયદેસર દુકાનો-કારખાનામાં વીજ કનેક્શન મળતાં સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલિશનની કાર્યવાહી બાદ હવે તંત્રએ રખિયાલમાં દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે. રખિયાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં દબાણો હટાવવામાં આવ્યા છે. અહીં ગેરકાયદેસર બાંધકામ કરી ૨૦ જેટલા કારખાના અને નમાજ માટે બનાવવામાં આવેલી જગ્યા ધરાશાયી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.
સુત્રોથી મળતી માહિતી મુજબ રખિયાલ વિસ્તારમાં આવેલા મોરારજી ચોકમાં ગુજરાત હાઉસિંહ બોર્ડની જગ્યામાં કોમન ઓપન પ્લોટમાં દુકાનો-કારખાના બનાવવામાં આવ્યા હતા. આ સિવાય ત્યાં નમાજ માટે પણ જગ્યા બનાવવામાં આવી હતી.
૩૮૫ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રોકાયા
AMC દ્વારા સવારથી અહીં દબાણ હટાવોની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ચલાવી તમામ દુકાનો-કારખાના તોડી પડાયા છે. આ વિસ્તારમાં તંત્રએ ૨૦૦૮ મા દબાણો હટાવ્યા હતા. પરંતુ ફરી ત્યાં દબાણો કરી લેવામાં આવ્યા હતા. અહીં કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યાં હતા.
ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો-કારખાના ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તંત્રએ કાર્યવાહી કરતા તેને તોડી પાડ્યા છે. રખિયાલમાં જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા ત્યાં પણ લાઇટ કનેક્શન મળી આવ્યા હતા. ત્યારે ગેરકાયદેસર દુકાનો-કારખાનામાં વીજ કનેક્શન કઈ રીતે મળ્યા તેની સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આ અંગે વાત કરતા ACP આર. ડી. ઓઝાએ જણાવ્યું કે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ જગ્યા હાઉસિંગ બોર્ડની છે. હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. અહીં ૩૮૫ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં છે.