Last Updated on by Sampurna Samachar
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આપી માહિતી
વંદે ભારતનો ટ્રાયલ રન વર્ષના અંત સુધીમાં શરૂ કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના પ્રથમ અત્યંત મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) પર જાપાની બુલેટ ટ્રેનને બદલે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે તેમ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભારતીય રેલ્વેની પ્રથમ વંદે ભારત ટ્રેન હશે, જે ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોરના સુરત-બાલીમોરા સેક્શનનું કામ અંતિમ તબક્કામાં છે અને વંદે ભારતનો ટ્રાયલ રન વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. પછી ૨૦૨૭ સુધીમાં વંદે ભારત (બેઠક) ટ્રેનમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. અહીં આઠ-આઠ કોચવાળી બે વંદે ભારત ટ્રેન દોડશે. મહત્તમ ગતિ ૨૮૦ છે પરંતુ તે ૨૫૦ ની ઝડપે દોડશે.
૩૨૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચલાવવાનો દાવો
અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ પર હસ્તાક્ષર થયા ત્યારે જાપાને બુલેટ ટ્રેનનો ખર્ચ પ્રતિ કોચ ૧૬ કરોડ રૂપિયા નક્કી કર્યો હતો, પરંતુ ગયા વર્ષે જાપાને તેની કિંમત ૩ ગણીથી વધુ વધારી દીધી હતી. સપ્લાય કરતાં સમયે જાપાને બુલેટ ટ્રેન કોચનો ખર્ચ પ્રતિ કોચ ૫૦ કરોડ રૂપિયા કરી દીધો. આમ ૧૬ કોચવાળી બુલેટ ટ્રેન ૮૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ.
દુનિયાના ઘણા દેશો ટ્રેનોની ગતિના સંદર્ભમાં ભારતથી ઘણા આગળ છે. જાપાન તેમાં ટોચ પર છે. જાપાન પછી ચીન અને પછી ફ્રાન્સ છે. જાપાનમાં બુલેટ ટ્રેનની ગતિ ૬૦૩ કિમી પ્રતિ કલાક છે અને ચીનમાં તેની ગતિ ૬૦૦ કિમી પ્રતિ કલાક છે. ફ્રાન્સ તે બંનેથી ઘણું પાછળ છે. અહીં ટ્રેનની મહત્તમ ગતિ ૩૨૦ કિમી પ્રતિ કલાક છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં પણ ટ્રેન ૩૦૫ કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં અમદાવાદ-મુંબઈ કોરિડોર પર ૩૨૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચલાવવાનો દાવો કરવામાં આવ્યો છે.