Last Updated on by Sampurna Samachar
રાજકોટથી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ર્નિણય
આ ટ્રેન ૧૮ મે ૨૦૨૫થી ૨૯ જૂન ૨૦૨૫ સુધી દોડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉનાળુ વેકેશન પડે ત્યારે લોકો ફરવા જવાનો પ્લાન કરતાં હોય છે. ત્યારે રાજકોટવાસીઓને વેકેશનમાં ફરવા જવા માટે સારી જગ્યા પર જવુ સરળ બની ગયું છે. મળતી માહિતી મુજબ મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટથી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ર્નિણય કરાયો છે. જ્યાં નૈનિતાલ (ઉત્તરાખંડ) જવા માટે આ ટ્રેન ઘણી સુવિધાજનક સાબિત થશે.
ઉનાળાની રજાઓમાં ફરવા જવાનું સૌ કોઈ આયોજન કરતું હોય છે. સામાન્ય રીતે, લોકો ઠંડા પ્રદેશમાં ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ આ વર્ષે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે લોકો ત્યાં જવાનું ટાળી રહ્યા છે. જો તમે પણ ફરવાની યોજના બનાવી રહ્યા છો અને નૈનિતાલ જવામાં રસ ધરાવો છો, તો રેલવે વિભાગે રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર ટ્રેન શરૂ કરી છે.
આ ટ્રેન ઘણી સુવિધાજનક સાબિત થશે
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ર્નિણય કર્યો છે. ટ્રેન નંબર ૦૫૦૪૬/૦૫૦૪૫ રાજકોટ-લાલકુઆં વીકલી સ્પેશિયલ ૧૪ ટ્રિપ્સ રહેશે. નૈનિતાલ (ઉત્તરાખંડ) જવા માટે આ ટ્રેન ઘણી સુવિધાજનક સાબિત થશે.
ટ્રેન નંબર ૦૫૦૪૬ રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટ (RAJKOT) થી દર સોમવારે ૨૨.૩૦ કલાકે ઉપડશે અને બુધવારે ૦૪.૦૫ કલાકે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન ૧૯ મે ૨૦૨૫થી ૩૦ જૂન ૨૦૨૫ સુધી દોડશે. તે જ રીતે, ટ્રેન નંબર ૦૫૦૪૫ લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે ૧૩.૧૦ કલાકે લાલકુઆંથી ઉપડશે અને બીજા દિવસે ૧૮.૧૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ૧૮ મે ૨૦૨૫થી ૨૯ જૂન ૨૦૨૫ સુધી દોડશે.
આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જાેધપુર, ગોટન, મેડતા રોડ, દેગાણા, મકરાણા, કુન સિટી, નાવા સિટી, ફુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, સૌરોન શુકર, બદાયું, બરેલી, બરેલી સિટી, ઈજ્જતનગર, ભોજીપુરા, બહેરી અને કિચ્છા સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકંડ એસી, થર્ડ એસી અને સ્લીપર ક્લાસના કોચ હશે. ટ્રેન નંબર ૦૫૦૪૬નું બુકિંગ ૧૭ મે ૨૦૨૫થી તમામ કાઉન્ટર અને વેબસાઇટ પરથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોને વેબસાઇટ પર મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે. નૈનિતાલ ફરવા જવા માટે ૧૯ મે ૨૦૨૫ થી ૩૦ જૂન ૨૦૨૫ ની વચ્ચે તમારા અનુકૂળ સમય અનુસાર યાત્રાનું આયોજન કરી શકો છો.