Last Updated on by Sampurna Samachar
જેલની સજા તથા લાયસન્સ સસ્પેન્ડ થવાની જોગવાઈ
તમામ નિયમો ૧ માર્ચ, ૨૦૨૫થી લાગુ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવે પૂરઝડપે અને હવેથી બેદરકારીપૂર્વક વાહન હંકારનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. જેના કારણે હવે તેવા ચાલકોને ભારે દંડ ચૂકવવો પડશે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતો અટકાવવા તેમજ વાહનચાલકો ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુ સાથે ટ્રાફિક દંડમાં મસમોટો વધારો કર્યો છે.
જેમાં દારૂ પીને વાહન હંકારવા પર, ઓવરસ્પીડિંગ, સિગ્નલ તોડવો, હેલમેટ વિના ડ્રાઈવિંગ સહિતના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર મોટો દંડ ઉપરાંત જેલની સજા તથા લાયસન્સ સસ્પેન્ડ થવાની જોગવાઈ ઘડવામાં આવી છે. તેમજ વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર દંડની રકમમાં વધારો થઈ શકે છે, અને વધુ કડક સજા કરવામાં આવશે. આ નવા નિયમો ૧ માર્ચ, ૨૦૨૫થી લાગુ થઈ ચૂક્યા છે.
આ નિયમોના ઉલ્લંઘન પર ચૂકવવો પડશે મોટો દંડ
૧. દારૂ પીને ગાડી હંકારવા પર: પહેલાં દારૂ પીને ગાડી હંકારવા બદલ રૂ. ૧૦૦૦થી રૂ. ૧૫૦૦ સુધીનો દંડ થતો હતો. પરંતુ નવા સુધારા મુજબ, હવે રૂ. ૧૦,૦૦૦ સુધીનો દંડ તથા છ માસની જેલની સજા થઈ શકે છે. ફરી જાે આ જ ગુના હેઠળ ઝડપાયા તો દંડની રકમ વધીને રૂ. ૧૫,૦૦૦ અને બે વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.
૨. હેલમેટ વિના ગાડી હંકારવા પર: હેલમેટ વિના ગાડી હંકારવા બદલ રૂ. ૧૦૦૦ સુધીનો દંડ થશે. જે અગાઉ રૂ. ૧૦૦ હતો. તેમજ ત્રણ માસ માટે તમારૂ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
૩. સીટ બેલ્ટ નિયમનો ભંગ: જો ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે સીટબેલ્ટ નહીં પહેર્યું હોય તો તેની પાસેથી રૂ. ૧૦૦૦નો દંડ લેવામાં આવશે. જે અગાઉ રૂ. ૧૦૦ હતો.
૪. મોબાઈલ ફોનનો ઉપયોગ: ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો ગંભીર દુર્ઘટના સર્જી શકે છે. જેથી ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ પર રૂ. ૫૦૦૦નો દંડ ચૂકવવો પડશે.
૫. લાયસન્સ વિના ડ્રાઈવિંગ: લાયન્સ વિના ડ્રાઈવિંગ કરતાં પકડાયા તો દંડની રકમ રૂ. ૫૦૦થી વધારી રૂ. ૫૦૦૦ કરવામાં આવી છે.
૬. ટુવ્હિલર્સ પર ટ્રિપલ રાઈડિંગ: બાઈક પર ટ્રિપલ સવારી માટે દંડની જાેગવાઈ રૂ. ૧૦૦થી વધારીને રૂ. ૧૦૦૦ કરવામાં આવી છે.
૭. માન્ય વીમા વિના વાહન ચલાવવું: માન્ય વીમા વિના વાહન ચલાવવાનો દંડ રૂ. ૨૦૦-૪૦૦થી વધારી રૂ. ૨૦૦૦ કર્યો છે. તેમાં ૩ મહિનાની જેલ અને કોમ્યુનિટી સર્વિસ આપવાની જાેગવાઈ પણ સમાવિષ્ટ કરવામાં આવી શકે છે. જાે વારંવાર આ ગુના હેઠળ ઝડપાયા તો દંડ બમણો થઈને રૂ. ૪૦૦૦ થઈ શકે છે.
૮. PUC ન હોય તો: પહેલાં રૂ. ૧૦૦૦નો દંડ થતો હતો, પરંતુ હવે માન્ય પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) વિના વાહન ચલાવવા પર રૂ. ૧૦,૦૦૦નો દંડ થશે, સાથે સાથે ૬ મહિનાની જેલની સજા અને કોમ્યુનિટી સર્વિસની સજા પણ થઈ શકે છે.
૯. ખતરનાક ડ્રાઇવિંગ અને ઓવરસ્પીડિંગ: બેદરકારીપૂર્વક વાહન ચલાવવા પર હવે રૂ. ૫૦૦૦નો દંડ થાય છે, જેના કારણે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરવું વધુ મોંઘુ બને છે. તેવી જ રીતે, જાહેર રસ્તાઓ પર ઓવરસ્પીડિંગ કરવા પર પણ રૂ. ૫,૦૦૦નો દંડ થશે.
૧૦. ઇમરજન્સી વાહનોને અવરોધવા: એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો માટે રસ્તા પર અવરોધ ઉભો કરવા પર હવે ઉલ્લંઘન કરનારાઓને રૂ. ૧૦,૦૦૦નો દંડ થશે, જે અગાઉના રૂ. ૧૦૦ કરતાં ઘણો વધારો છે. ૧૧. વાહનોનું ઓવરલોડિંગ: ટ્રક અને કોમર્શિયલ વાહન સંચાલકોએ નોંધ લેવી પડશે કે ઓવરલોડિંગ દંડ રૂ. ૨,૦૦૦થી વધીને રૂ. ૨૦,૦૦૦ થયો છે.
૧૨. ટ્રાફિક સિગ્નલ તોડવુ: લાલ લાઇટ પર વાહન હંકારવા પર હવે રૂ. ૫૦૦નો દંડ થશે.
૧૩. સગીર ગુનો (૧૮ વર્ષથી ઓછી ઉંમરના): સગીરો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે, દંડ વધુ ગંભીર બની ગયો છે. રૂ. ૨૫૦૦ના બદલે, હવે રૂ. ૨૫,૦૦૦નો દંડ, ત્રણ વર્ષની જેલ, એક વર્ષ માટે વાહન નોંધણી રદ કરવામાં આવશે.